વડનગર: ઐતિહાસિક વડનગરની ધરા પર ચાલી રહેલા ‘શ્રાવણ ઉત્સવ-2026’ અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય ‘ડમરૂ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યાત્રાનો મંગલ પ્રારંભ થયો હતો.
વહેલી સવારે નીલકંઠ મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં મંત્રીએ ડમરૂ વગાડી સહભાગીતા નોંધાવી હતી. યાત્રાનું મુખ્ય આકર્ષણ 108 કલાકારો દ્વારા કરવામાં આવેલું સમૂહ ડમરૂ વાદન રહ્યું હતું. ડમરૂના ગુંજતા નાદથી સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું.
યાત્રા નીલકંઠ મહાદેવ મંદિરથી નીકળી સાકેત સોસાયટી, સરકારી લાયબ્રેરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. મોટી સંખ્યામાં શિવભક્તો અને નગરજનો જોડાતા સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
આ ડમરૂ યાત્રામાં વડનગર ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. યાત્રાના કારણે શ્રાવણ માસની ધાર્મિક આસ્થા સાથે વડનગરની સાંસ્કૃતિક પરંપરાની પણ ભવ્ય ઝલક જોવા મળી હતી.
યાત્રાનું સમાપન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. અહીં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભગવાન હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં શિવભક્તો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનથી વડનગરમાં શ્રાવણની ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.










