રાજકોટ: સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટના બજારમાં સોનાના ભાવમાં વધુ રૂ. 1,900નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં રૂ. 2,300નો ગાબડો આવ્યો હતો. રોકડ અને બિલવાળા સોનાના ભાવમાં મોટો તફાવત જોવા મળતાં બજારમાં ગેરકાયદે સોનાના જથ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
રાજકોટમાં આજે હાજર સોનાનો ભાવ રૂ. 1,900 ઘટીને 10 ગ્રામે રૂ. 1,56,200 રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 4,326 ડોલર નોંધાયો હતો. બીજી તરફ કોમોડિટી વાયદામાં સોનું રૂ. 1,025 ઘટીને રૂ. 1,50,700 રહ્યું હતું.
ચાંદીમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. હાજર ચાંદી રૂ. 2,300 ઘટીને રૂ. 2,37,200 થઈ હતી, જ્યારે વાયદામાં રૂ. 1,895ના ઘટાડા સાથે ભાવ રૂ. 2,27,655 રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ 64.17 ડોલર નોંધાયો હતો.
અમેરિકા અને આયાત જકાતની અટકળોની અસર
વેપારીઓના જણાવ્યા મુજબ સોના-ચાંદીમાં ચાલી રહેલી મંદી પાછળ અનેક પરિબળો જવાબદાર છે. અમેરિકામાં મોંઘવારી અને ડોલરની મજબૂતીને લઈને આક્રમક વલણ તેમજ વ્યાજદરમાં વધારાની શક્યતાના સંકેતોની અસર કિંમતી ધાતુઓના બજાર પર પડી રહી છે.
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સોના-ચાંદી પરની આયાત જકાતમાં ફરી ઘટાડો કરવામાં આવશે તેવી અટકળો વચ્ચે પણ બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
રોકડ અને બિલના ભાવમાં મોટો તફાવત
ઝવેરી બજારના વેપારીઓના જણાવ્યા મુજબ બિલ સાથે અને બિલ વગરના સોનાના ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. હાજર બજારમાં બિલ સાથે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,56,200 હતો, જ્યારે રોકડ વ્યવહારમાં તે આશરે રૂ. 1,49,500 બોલાતો હતો.
ચાંદીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી અને બંને પ્રકારના ભાવ વચ્ચે આશરે રૂ. 7,000નો તફાવત હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આ તફાવતને પગલે બજારમાં દાણચોરી અથવા ગેરકાયદે સોનાના જથ્થાની આવક અંગે અટકળો તેજ બની છે.
સપ્તાહમાં સોનું રૂ. 10,500 સસ્તું
સોના-ચાંદીમાં સતત ચાલી રહેલી મંદીને કારણે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં અંદાજે રૂ. 10,500નો ઘટાડો થયો છે. ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન આશરે રૂ. 13,000નો ઘટાડો નોંધાયો છે.
આગામી દિવસોમાં અમેરિકાની નાણાકીય નીતિ, ડોલરની ચાલ અને વૈશ્વિક બજારના ઘટનાક્રમોની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે.










