કોળી સેના પ્રમુખ દીપાબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ
ઊના: ઊનાના કંસારી ગામ ખાતે કાળુભાઈ ડાંગોદરા દ્વારા નવનિર્મિત ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપનો શુભ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લા કોળી સેના પ્રમુખ શ્રીમતી દીપાબેન બાંભણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પેટ્રોલ પંપના સંચાલક કાળુભાઈ ડાંગોદરા દ્વારા દીપાબેન બાંભણીયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપાબેન બાંભણીયાએ ડાંગોદરા પરિવારને નવા વ્યવસાયની શરૂઆત બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ નવનિર્મિત પેટ્રોલ પંપ શરૂ થવાથી કંસારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પેટ્રોલ-ડીઝલની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે અને લોકોને ઇંધણ માટે દૂર સુધી જવાની જરૂરિયાત ઘટશે.
ઉદ્ઘાટન પ્રસંગે પરિવારજનો, ગ્રામજનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.










