દ્વારકામાં ‘ફિનાઈલ ગેંગ’નો પર્દાફાશ, દાગીના સાફ કરવાના બહાને સોનું-ચાંદી કાઢી લેતા 4 ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફિનાઈલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશી વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના દાગીના સાફ કરવાના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરીને ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના ઢાળિયા, કેમિકલ, ફિનાઈલ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ.89 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા સમયથી દાગીના સાફ કરી આપવાના બહાને છેતરપિંડીની ફરિયાદો મળી રહી હતી. મહિલાઓને વિશ્વાસમાં લીધા બાદ દાગીનામાંથી કિંમતી ધાતુ કાઢી લેવામાં આવતી હોવાની ફરિયાદો બાદ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી એલસીબીએ તપાસ શરૂ કરી હતી.

ખંભાળિયાથી ચાર આરોપી ઝડપાયા

એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમે હ્યુમન સોર્સ અને અન્ય બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ચોક્કસ માહિતી મળતાં ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં બિહારના સુબોધસિંગ હિયાલાલસિંગ ખારવા, વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકોર, સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા અને અનિરુદ્ધ દિનેશ ભોજલ ઠાકુરનો સમાવેશ થાય છે. આરોપીઓમાંથી કેટલાક રાજકોટમાં રહી ફિનાઈલ વેચવાનું કામ કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

વૃદ્ધ મહિલાઓને બનાવતા હતા નિશાન

પોલીસ પૂછપરછમાં ગેંગની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપીઓ ખાસ કરીને એવા ગ્રામ્ય વિસ્તારો પસંદ કરતા હતા જ્યાં ઘરમાં વૃદ્ધ મહિલાઓ એકલી હોય.

ફિનાઈલ વેચવાના બહાને તેઓ ઘરમાં પ્રવેશતા અને વાતચીત કરીને મહિલાઓનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ ભગવાનની મૂર્તિઓ એસિડ અને અન્ય કેમિકલથી સાફ કરી ચમકાવવાની વાત કરતા હતા.

મૂર્તિઓ ચમકાવીને વિશ્વાસ કેળવ્યા બાદ તેઓ પહેલાં ચાંદીના દાગીના સાફ કરવાની અને ત્યારબાદ સોનાના દાગીના પણ નવા જેવા ચમકાવી આપવાની લાલચ આપતા હતા.

કેમિકલની મદદથી દાગીનામાંથી કિંમતી ધાતુ કાઢતા

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દાગીના સાફ કરવાની પ્રક્રિયામાં એસિડ સહિતના કેમિકલ, પાઉડર, ફટકડી અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરતા હતા. આ પ્રક્રિયા દરમિયાન દાગીનામાંથી સોનું અને ચાંદી કાઢી લેતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઢાળિયા ઉપરાંત એસિડ, ફિનાઈલ, બ્રશ, પાઉડર, ફટકડી, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત ગુનામાં ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત કર્યો છે.

કુલ રૂ.89 હજારનો મુદ્દામાલ કબજે કર્યા બાદ ચારેય આરોપીઓને વધુ તપાસ માટે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ હવે આ ગેંગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આવી જ છેતરપિંડીની અન્ય ઘટનાઓ અંગે પણ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai