ઉના: ઉના તાલુકાના એક ગામમાં સગીરા સાથે છેડછાડના પ્રયાસની ઘટના સામે આવી છે. સગીરા રાત્રિના સમયે દૂધ આપવા ગયા બાદ ઘરે પરત ફરી રહી હતી ત્યારે ગામની શાળા પાસે એક યુવકે તેનો પીછો કરી તેની સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.
ફરિયાદ મુજબ, સગીરા પરિવાર સાથે ખેતીકામ પૂર્ણ કરીને ઘરે પરત આવી હતી. ત્યારબાદ રાત્રે તે ગામમાં દૂધ આપવા ગઈ હતી. દૂધ આપી ઘરે પરત ફરતી વખતે તે ગામની શાળા નજીક પહોંચી હતી. આ દરમિયાન ગામનો જ મહેશ ઉર્ફે મયુર રણુભાઈ બાંભણીયા તેનો પીછો કરવા લાગ્યો હતો.
આરોપીએ પાછળથી સગીરાનો હાથ પકડી તેને શાળા નજીકના અંધારાવાળા સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ વિરોધ કરી બૂમાબૂમ કરતાં આસપાસના લોકોનું ધ્યાન દોરાયું હતું.
પરિવારજનો દોડી આવતા આરોપી દીવાલ કૂદી ફરાર
સગીરાની બૂમ સાંભળીને તેના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને પોતાની તરફ આવતા જોઈ આરોપી દીવાલ કૂદીને ત્યાંથી ભાગી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાથી સગીરા ગભરાઈ ગઈ હતી. જેના કારણે પરિવારજનોએ તે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. બીજા દિવસે પરિવારજનો સગીરાને સાથે લઈને ઉના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો
પરિવારની ફરિયાદના આધારે ઉના પોલીસે આરોપી મહેશ ઉર્ફે મયુર બાંભણીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.










