મોદીના જન્મદિવસથી ભાજપની બે મહાસંપર્ક યાત્રા: વડનગર અને વારાણસીથી 10-10 ટીમો રવાના થશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં સંગઠનાત્મક અને જનસંપર્ક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 17 સપ્ટેમ્બરથી વડનગર અને વારાણસીથી બે વિશાળ સંપર્ક યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. બંને સ્થળેથી ભાજપની 10-10 ટીમો રવાના થઈ એકબીજાના સ્થળે પહોંચશે.

વડનગર અને વારાણસીથી શરૂ થનારી આ યાત્રા દરમિયાન દરેક ટીમ અંદાજે 1,500 કિલોમીટરનો પ્રવાસ કરશે. રોજ લગભગ 100 કિલોમીટરનું અંતર કાપતી ટીમોમાં 10થી વધુ બાઈક, બસ અને ભાજપના કાર્યકર્તાઓ સામેલ રહેશે.

વડનગરથી નીકળેલી યાત્રા વારાણસી પહોંચશે

વડનગરથી શરૂ થનારી યાત્રા વારાણસી પહોંચશે, જ્યારે વારાણસીથી નીકળેલી યાત્રા વડનગર પહોંચશે. નિર્ધારિત રૂટ પર યાત્રા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિક લોકોનો સંપર્ક કરશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યો અંગે માહિતી આપશે.

દરેક પડાવ પર ચાર જેટલા કાર્યક્રમો યોજાશે. તેમાં સરકારની ઉપલબ્ધિઓ, વિકાસકાર્યો અને વિકાસ મોડેલ રજૂ કરવામાં આવશે. સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ પણ વિવિધ સ્થળોએ યાત્રામાં જોડાશે.

આ સમગ્ર સંપર્ક યાત્રા લગભગ એક મહિના સુધી ચાલશે અને અલગ-અલગ સ્થળોએ મોટા જનસંપર્ક કાર્યક્રમો યોજવામાં આવશે.

જેન-ઝી સુધી પહોંચવા ભાજપનું ફોકસ

આ દરમિયાન ભાજપે યુવાનો અને ખાસ કરીને જેન-ઝી સુધી સરકારના વિકાસકાર્યો અને યોજનાઓનો સંદેશ પહોંચાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી કાર્યક્રમોમાં યુવાનોને મોટી સંખ્યામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

8 સપ્ટેમ્બરે વડોદરામાં મોદીની યુવા સંવાદ સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી ખાતે વિશાળ યુવા સંવાદ કાર્યક્રમ યોજાવાની તૈયારી ચાલી રહી છે.

અહેવાલ મુજબ કાર્યક્રમમાં 10 હજારથી વધુ યુવાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વડાપ્રધાન બપોરે 12 વાગ્યે વડોદરા પહોંચ્યા બાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર કાર્યક્રમમાં હાજરી આપશે. તેમના સ્વાગત માટે શહેરમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને રોડ-શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ મુલાકાત દરમિયાન ગુજરાતને રૂ.30 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોની ભેટ મળવાની શક્યતા છે. વડાપ્રધાન સરદારધામ-3નો પણ પ્રારંભ કરશે.

યુવા મતદારો પર ભાજપનું વિશેષ ધ્યાન

જેન-ઝી અને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો સુધી પહોંચવા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને યુવા યાત્રાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં વિકાસકાર્યોને લોકો સુધી કેવી રીતે પહોંચાડવા અને યુવાનો સાથે સંવાદ કેવી રીતે વધારવો તે અંગે સંગઠન સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે.

દિલ્હીમાં ભાજપના યુવા મંત્રીઓની વર્કશોપ

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓને પણ વિકાસકાર્યો અને જનસંપર્ક અંગે માર્ગદર્શન આપવા માટે દિલ્હીમાં ભાજપના વડામથકે 25 જેટલા યુવા મંત્રીઓની વર્કશોપ યોજાવાની છે.

વર્કશોપમાં વિકાસ યોજનાઓને ઝડપી અમલમાં મૂકવા, તેનો લાભ લોકો સુધી પહોંચાડવા તેમજ સરકારના કામની માહિતી ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવા અંગે ચર્ચા થશે.

ખાસ કરીને પ્રથમ વખતના મતદારો અને જેન-ઝી સુધી પહોંચવા માટે યુવા સંવાદ, યુવા યાત્રા અને અન્ય કાર્યક્રમો કેવી રીતે યોજવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ વર્કશોપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai