કેબિનેટ વિસ્તરણની ચર્ચા વચ્ચે દિલ્હી રોકાણ વધ્યું, ગુજરાત પ્રવાસ રદ થવાનું કારણ જાહેર થયું નથી
રાજકોટ: સામાન્ય રીતે તહેવારો દરમિયાન ગુજરાતની મુલાકાતે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આગામી 4 સપ્ટેમ્બરના જન્માષ્ટમી પર્વનો અમદાવાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક લોકાર્પણ તથા ભૂમિપૂજનના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના હતા. જોકે, પ્રવાસ રદ કરવા પાછળનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ અથવા ફેરબદલની ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિદેશ પ્રવાસ બાદ આજે સાંજે પરત ફરવાના હોવાથી ગૃહમંત્રી અમિત શાહની દિલ્હીમાં હાજરી જરૂરી બની હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે નજર
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થતાં હવે રાજકીય વર્તુળોમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોના ખાતામાં ફેરફાર થશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.
ખાસ કરીને ઈ-20 પેટ્રોલના મુદ્દે વિવાદમાં આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ખાતામાં ફેરફાર થઈ શકે તેવી ચર્ચા છે. ગડકરીએ તાજેતરમાં પોતે થાકી ગયા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. જોકે, હાલ તેમને કેબિનેટમાંથી દૂર કરવામાં આવે તેવી શક્યતા ઓછી હોવાનું રાજકીય સૂત્રોનું માનવું છે.
સાથી પક્ષોને પણ મળી શકે સ્થાન
કેન્દ્રીય કેબિનેટના સંભવિત વિસ્તરણમાં એનડીએના સાથી પક્ષોના નેતાઓને વધુ પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. આગામી સમયમાં સરકારને મહત્વના ખરડાઓ પસાર કરાવવા માટે સાથી પક્ષોનું સમર્થન જરૂરી બની શકે છે.
આથી કેબિનેટમાં ફેરફાર દરમિયાન સાથી પક્ષોને કેટલું પ્રતિનિધિત્વ મળે છે અને કયા નેતાઓને મંત્રીપદ મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયા બાદ હવે જન્માષ્ટમીના તહેવાર વચ્ચે દિલ્હીમાં યોજાનારી રાજકીય બેઠકો અને સંભવિત કેબિનેટ ફેરબદલ અંગેની અટકળો વધુ તેજ બની છે.










