રાજકોટ: રેસકોર્સ મેદાનમાં આજથી શરૂ થયેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે ઉદ્ઘાટન પહેલાં જ સઘન ચેકિંગ શરૂ કરી દીધું હતું. વહેલી સવારે ફૂડ વિભાગની ટીમે મેળાના વિવિધ સ્ટોલની તપાસ કરતા એક સ્ટોલમાંથી 10 કિલો સડેલા બટેટા મળી આવ્યા હતા, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
50 જેટલા ફૂડ સ્ટોલની નોંધણી પ્રક્રિયા
મનપાની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ મેળામાં ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓ માટે હંગામી ફૂડ રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 50 ફૂડ બિઝનેસ ઓપરેટરોની નોંધણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ફૂડ અધિકારીઓએ મેળામાં જે સ્ટોલ પર ખાદ્યસામગ્રી પહોંચી ગઈ હતી ત્યાં જઈને કાચો માલ, શાકભાજી, પેકિંગ અને ખાદ્યસામગ્રીના સંગ્રહની સ્થિતિની ચકાસણી કરી હતી.
ઢોકળા સહિતના સ્ટોલની તપાસ
ફૂડ વિભાગની ટીમે લાઇવ ઢોકળા સહિત વિવિધ ખાણીપીણીના સ્ટોલનું આરોગ્યલક્ષી ચેકિંગ કર્યું હતું. ફૂડ બિઝનેસ ઓપરેટરના રજિસ્ટ્રેશન દરમિયાન વપરાશમાં લેવાતા કાચા માલની ગુણવત્તા તથા શાકભાજીની પણ તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન એક સ્ટોલ પર બટેટાની બોરી ખોલીને તપાસ કરતાં અંદરથી 10 કિલો સડેલા બટેટા મળી આવ્યા હતા. અખાદ્ય જણાયેલા આ બટેટાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
હાઇજેનિક સ્થિતિ જાળવવા સૂચના
લોકમેળામાં ખાણીપીણીનો વ્યવસાય કરતા તમામ સ્ટોલ ધારકોને કાચો માલ અને તૈયાર ખાદ્યસામગ્રીની યોગ્ય રીતે તપાસ કરીને જ સંગ્રહ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સ્ટોલ પર સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા પણ કડક સૂચના અપાઈ છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મેળાના પાંચેય દિવસ ફૂડ વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે.
લોકમેળો શરૂ થાય તે પહેલાં જ મનપાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરતાં ખાણીપીણીના વેપારીઓમાં પણ સતર્કતા જોવા મળી છે. અખાદ્ય સામગ્રીનો નાશ કરવાની સાથે વેપારીઓને હંગામી ફૂડ રજિસ્ટ્રેશન આપવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે.










