રાજકોટ: શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી પાંચ દિવસીય ‘વિરાસતથી વિકાસ-2026’ લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. લોકમેળો ખુલ્લો મુકાતાની સાથે જ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નેવી બેન્ડના શૌર્યનાદ, રાસ-ગરબા અને લોકડાયરાએ ઉદ્ઘાટન સમારોહમાં રંગ જમાવ્યો હતો.
200થી વધુ સ્ટોલ અને રાઇડ્સ આકર્ષણનું કેન્દ્ર
લોકમેળામાં રમકડાંના 100 સ્ટોલ, ખાણીપીણીના 40 સ્ટોલ, યાંત્રિક રાઇડ્સની 34 રાઇડ્સ, નાની ચકરડીના 24 અને મધ્યમ ચકરડીના 3 પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત એક્સ્પો-એક્ઝિબિશન માટે બે ડોમ પણ બનાવવામાં આવ્યા છે.
આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાતે પહોંચશે તેવી શક્યતા છે. મુલાકાતીઓની સુવિધા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ આસપાસના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
AI અને ડ્રોનથી મેળા પર બાજ નજર
મેળામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે AI અને ડ્રોન મારફતે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત CCTV કેમેરા દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે.
દર વર્ષે લાખો લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી આ વખતે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ વોચ ટાવર પરથી પોલીસ જવાનો દેખરેખ રાખશે, જ્યારે NDRF અને SDRFની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અધિકારીઓને વોકીટોકી આપવામાં આવી છે અને કંટ્રોલ રૂમમાં પણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
14 સ્થળોએ વિનામૂલ્યે પાર્કિંગ
મેળામાં આવતા લોકો માટે શહેરના 14 જેટલા સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કિશાનપરા ચોક, નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન, કલેક્ટર કચેરી, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ સહિતના સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.
ગોપાલ ભરવાડથી સાગર કાચા સુધી કલાકારો રંગ જમાવશે
લોકમેળામાં રાઇડ્સ અને ખાણીપીણી ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મુખ્ય આકર્ષણ બનશે. આજે ગોપાલ ભરવાડ, તા.3ના રાજભા ગઢવી, તા.4ના સાંત્વની ત્રિવેદી, તા.5ના ઉદય ધાંધલ અને તા.6ના સાગર કાચા તથા દિવ્યેશ જેઠવા લોકસાહિત્ય અને સંગીતની રંગત જમાવશે.
મેળા દરમિયાન કુલ 40 જેટલા કલાકારો પોતાની કલા રજૂ કરશે. ઉભરતા કલાકારોને પણ મંચ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી ઉદ્ઘાટનમાં ગેરહાજર
લોકમેળાનું ઉદ્ઘાટન જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમનો રાજકોટ પ્રવાસ રદ થતાં તેઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે ભાજપના પ્રભારી તરૂણ ચુગ દ્વારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વાઘાણી ત્યાં હાજર રહ્યા હતા.
વિકાસયાત્રા દર્શાવતો વિશેષ માહિતી સ્ટોલ
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સ્ટોલ નં. D-4 ખાતે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ થીમ પર વિશેષ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અહીં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ડિજિટલ ગવર્નન્સ, DBT, GIFT City, ધોલેરા SIR, સેમિકન્ડક્ટર પોલિસી સહિતના વિકાસકાર્યોની માહિતી રજૂ કરવામાં આવી છે.
રાજકોટના AIIMS, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવર જેવા પ્રકલ્પોને પણ પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું છે. બાળકો અને પરિવારો માટે દરરોજ કઠપૂતળીના બે કાર્યક્રમો પણ યોજાશે.
મેડિકલ ઇમરજન્સી માટે આરોગ્ય ટીમો તૈનાત
મેળામાં લાખો મુલાકાતીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા બે શિફ્ટમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તથા આરોગ્ય કર્મચારીઓ મેળો પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવશે.
ઇમરજન્સી માટે દવાઓ, ફર્સ્ટ એઇડ સામગ્રી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 108ની બે એમ્બ્યુલન્સ જરૂરી સાધનો અને તબીબી સ્ટાફ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
કર્મચારીઓને CPR અને પ્રાથમિક સારવારની તાલીમ
મેળા દરમિયાન કોઈ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે SDRF અને રેડક્રોસ દ્વારા ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને CPR અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.
હાર્ટ એટેક, શ્વાસ રુંધાવવો, ઈજા થવી કે વ્યક્તિ બેભાન થઈ જાય તેવી સ્થિતિમાં ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે કેવી રીતે કામગીરી કરવી તેની લાઇવ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી.
આમ, ‘વિરાસતથી વિકાસ-2026’ લોકમેળામાં મનોરંજન સાથે સુરક્ષા, આરોગ્ય અને સાંસ્કૃતિક વારસાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસથી જ લોકોની મોટી ભીડ ઉમટતા આગામી દિવસોમાં મેળો વધુ ધમધમતો બનવાની શક્યતા છે.










