ઉના: ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. કાણકબરડા ગામમાં મોડી રાત્રે સિંહણ પોતાના બચ્ચા સાથે ગામની શેરીઓમાં ફરતી જોવા મળી હતી, જ્યારે નાંદરખ ગામ નજીક નદીના પટમાં સિંહ અને સિંહણની જોડી ધોળા દિવસે આરામ કરતી જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં કુતૂહલ ફેલાયું હતું.
કાણકબરડા ગામમાં મોડી રાત્રે સિંહણ પોતાના બચ્ચા સાથે શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવી હતી. સિંહણ અને બચ્ચાએ ગામની શેરીઓમાં લાંબા સમય સુધી આંટાફેરા કર્યા હતા. ગામના રહેણાંક વિસ્તારમાં વનરાજોની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સિંહણ દ્વારા ગામમાં શિકારની શોધ કરવામાં આવી હતી, પરંતુ શિકાર ન મળતાં આખરે તે પોતાના બચ્ચા સાથે ગામની સીમ તરફ પરત ફરી ગઈ હતી. રાત્રિના અંધકારમાં ગામની વચ્ચે સિંહણ અને બચ્ચાની અવરજવરથી લોકોમાં ચિંતા જોવા મળી હતી.
નાંદરખમાં નદીના પટમાં સિંહ-સિંહણનો આરામ
બીજી તરફ, નાંદરખ ગામ નજીક નદીના ખુલ્લા પટમાં સિંહ અને સિંહણની જોડી આરામ ફરમાવતી જોવા મળી હતી. ધોળા દિવસે નદીના પટમાં વનરાજોની શાહી હાજરી સ્થાનિકોના ધ્યાનનું કેન્દ્ર બની હતી.
સિંહ-સિંહણને ખુલ્લા વિસ્તારમાં નિરાંતે બેઠેલા જોઈ વન્યજીવપ્રેમીઓમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનાના વીડિયો અને દૃશ્યો પણ સામે આવ્યા છે.
ગ્રામજનોમાં ભય સાથે કુતૂહલ
ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત વધતી અવરજવરને કારણે એક તરફ ગ્રામજનોમાં ભયનો માહોલ છે, તો બીજી તરફ વનરાજોને નજીકથી જોવા મળતા વન્યજીવપ્રેમીઓમાં કુતૂહલ પણ જોવા મળી રહ્યું છે.
સ્થાનિકોએ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે. સિંહોની સતત હાજરીને પગલે વન વિભાગ દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.










