ગુજરાતની ‘જીવાદોરી’ ૧૦૮ સેવાને ૧૯ વર્ષ પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

૧.૯૯ કરોડથી વધુ ઇમરજન્સી કેસમાં મદદ, ૧૯.૬૬ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યાનો દાવો

ગાંધીનગર: ગુજરાતની ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સેવાને ૧૯ વર્ષ પૂર્ણ થતાં હવે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ શરૂ થયેલી ૧૦૮ સેવા આજે રાજ્યના નાગરિકો માટે હોસ્પિટલ પહોંચતા પહેલાંની સારવારની મહત્વપૂર્ણ લાઈફલાઈન બની ગઈ છે.

ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૧૦૮ સેવા દ્વારા રાજ્યમાં ૧ કરોડ ૯૯ લાખથી વધુ ઇમરજન્સી કેસમાં પ્રતિસાદ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન ગંભીર સ્થિતિમાં રહેલા ૧૯.૬૬ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

રાજ્યમાં સરેરાશ દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી માટે રવાના થાય છે. ૧૦૮ પર આવતા આશરે ૯૯ ટકા કોલનો પ્રથમ બે રિંગમાં જવાબ આપવામાં આવે છે, જ્યારે સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૩ મિનિટ ૯ સેકન્ડ હોવાનું જણાવાયું છે.

માતા અને બાળ સુરક્ષામાં પણ મહત્વપૂર્ણ યોગદાન

૧૦૮ સેવાએ માતા અને બાળ સુરક્ષામાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. અત્યાર સુધીમાં ૬૨.૯૭ લાખથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં મદદ પહોંચાડવામાં આવી છે. જેમાં ૧.૬૪ લાખથી વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા રસ્તામાં અથવા ઘટનાસ્થળે કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત ૧૦૮ દ્વારા ૨૪.૧૮ લાખથી વધુ માર્ગ અકસ્માત, ૧૧.૭૭ લાખથી વધુ ગંભીર શ્વાસ સંબંધિત કેસ અને ૯.૮૭ લાખથી વધુ હૃદયરોગના હુમલાના કેસોમાં સમયસર પ્રિ-હોસ્પિટલ કેર આપવામાં આવી છે.

એર અને બોટ એમ્બ્યુલન્સની પણ સુવિધા

ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓના વિસ્તરણ માટે ૨૧ માર્ચ, ૨૦૨૨થી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત માછીમારોની સુવિધા માટે પોરબંદર અને ઓખા બંદરે બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.

૧૧૨ હેલ્પલાઈનને પણ એક વર્ષ પૂર્ણ

ગુજરાતની એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઈન ૧૧૨એ પણ એક વર્ષ પૂર્ણ કર્યું છે. એક વર્ષ દરમિયાન ૧૧૨ હેલ્પલાઈન દ્વારા ૧૦ લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

૨૪ કલાક અને ૩૬૫ દિવસ કાર્યરત ૧૦૮ અને ૧૧૨ સેવાઓના કોલ સેન્ટર એજન્ટ્સ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ડ્રાઈવરો અને પોલીસ કર્મચારીઓની કામગીરીને રાજ્યની ઇમરજન્સી વ્યવસ્થાના ‘અદ્રશ્ય હીરો’ તરીકે ગણાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai