SOGની કાર્યવાહીમાં કોડીનયુક્ત કફ સિરપની આશરે 5 હજાર બોટલો મળી; આસામ-મિઝોરમ મોકલાય તે પહેલાં જથ્થો જપ્ત
અમદાવાદ: કાલુપુર વિસ્તારમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસ (GPO)ના પાર્સલ વિભાગમાંથી રૂ.60 લાખની કિંમતનો કફ સિરપનો જથ્થો ઝડપાવાના મામલે હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના સરખેજ સ્થિત પ્રામા હેલ્થ કેરના બંને લાયસન્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યા છે.
થોડા દિવસ અગાઉ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ને GPOના પાર્સલ વિભાગમાં કેટલાક શંકાસ્પદ પાર્સલ હોવાની બાતમી મળી હતી. તેના આધારે દરોડો પાડી પાર્સલોની તપાસ કરવામાં આવતા કફ સિરપની આશરે 5 હજાર બોટલો મળી આવી હતી. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.60 લાખ હોવાનું સામે આવ્યું હતું.
કોડીન ફોસ્ફેટનું પ્રમાણ વધુ
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે જપ્ત કરાયેલા કફ સિરપમાં કોડીન ફોસ્ફેટ અને ટ્રાઇપોલીડીન હાઇડ્રોક્લોરાઇડનું પ્રમાણ વધુ હતું. આ જથ્થો આસામ અને મિઝોરમ મોકલવાનો હતો, પરંતુ ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસે તેને જપ્ત કરી લીધો હતો.
આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કફ સિરપનો જથ્થો સરખેજ સ્થિત પ્રામા હેલ્થ કેર કંપનીનો હોવાનું બહાર આવ્યું હતું.
બે વ્યક્તિ સામે કાર્યવાહી
પોલીસ તપાસમાં કંપની સાથે સંકળાયેલા હિરેન પટેલ અને પાર્શ્વ વોરા સામે કાર્યવાહી કરવામાં આવી છે. કફ સિરપના જથ્થા અંગેની તપાસના આધારે કંપનીના લાયસન્સ રદ કરવા માટે સંબંધિત વિભાગને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો.
આ રિપોર્ટના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને કંપનીના બંને લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.
અગાઉ કેટલો જથ્થો મોકલાયો? તપાસ શરૂ
હવે તપાસ એ દિશામાં પણ આગળ વધારવામાં આવી રહી છે કે પ્રામા હેલ્થ કેર દ્વારા અગાઉ કફ સિરપનો કેટલો જથ્થો અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યો હતો અને તે ક્યાં-ક્યાં પહોંચ્યો છે.
કંપનીના અગાઉના સપ્લાય, ખરીદદારો અને વિતરણ નેટવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતા આ સમગ્ર મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.










