કટારિયા ગામની સીમમાં હોટલના પાર્કિંગમાંથી ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ, રૂ.45.29 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કટારિયા ગામની સીમમાં આવેલી યુપી-બિહાર હોટલના પાર્કિંગમાંથી ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી કરવાના નેટવર્કનો રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.45.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ટેન્કરના માલિકની જાણ બહાર ટેન્કરમાં ભરેલા કિંમતી કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે રેન્જ આઈજીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું હતું.
આ કાર્યવાહી દરમિયાન પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં માજીદ વાહીદ અલી (રહે. મલહુપુર, ઉત્તર પ્રદેશ), સાહિલ ફિરોજભાઈ મુલતાની (રહે. સુરેન્દ્રનગર), ઈકબાલ ખાન, જયરાજસિંહ રાઠોડ (રહે. ચુડા) અને જયવીરભાઈ કાઠીનો સમાવેશ થાય છે.
રૂ.45.29 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન ટેન્કરમાં ભરેલા અલગ-અલગ પ્રકારના કિંમતી કેમિકલ સહિત કુલ રૂ.45.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેન્કરમાંથી કેમિકલ કાઢી તેની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવતી હોવાની આશંકા છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો
સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો વચ્ચે રેન્જ આઈજીની ટીમની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ખાસ કરીને હોટલના પાર્કિંગમાં લાંબા સમયથી કથિત રીતે કેમિકલ ચોરીની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વિગતો સામે આવતા સ્થાનિક તંત્રની કામગીરી ચર્ચામાં આવી છે.
રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ હવે આગળની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછ શરૂ
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેમિકલ ચોરીનું નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યું હતું, તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ચોરી કરાયેલું કેમિકલ ક્યાં પહોંચાડવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.