પોતાની જાનની પરવા કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું, બંનેને હેમખેમ બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા
દમણ: દમણના રાજીવ ગાંધી સેતુ પરથી એક યુવકે નદીમાં છલાંગ લગાવ્યા બાદ પાછળથી આવેલી યુવતીએ પણ નદીમાં કૂદી પડતાં ચકચાર મચી ગઈ હતી. જોકે ઘટનાસ્થળ નજીક માછીમારી કરી રહેલા સ્થાનિક માછીમારોએ તાત્કાલિક હિંમત દાખવી બંનેને ડૂબતા બચાવી લીધા હતા.
મળતી માહિતી મુજબ બુધવારે સાંજના સમયે આશરે 20 વર્ષીય યુવકે રાજીવ ગાંધી સેતુ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. યુવકને કૂદતો જોઈ તેની પાછળ આવેલી યુવતીએ પણ નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
આ સમગ્ર ઘટનાને નજીકમાં માછીમારી કરી રહેલા મિટના સમાજના માછીમારોએ જોઈ હતી. માછીમારોએ પોતાની જાનની પરવા કર્યા વિના તરત જ નદીમાં ઝંપલાવી બંનેને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.
માછીમારોની બહાદુરીથી બે જિંદગી બચી
માછીમારોએ ભારે જહેમત અને સૂઝબૂઝથી ડૂબી રહેલા યુવક-યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તેમની સમયસૂચકતા અને હિંમતના કારણે બંનેના જીવ બચી ગયા હતા.
ઘટનાની જાણ થતાં દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે ટીમો પહોંચે તે પહેલાં જ માછીમારોએ બંનેને નદીમાંથી બહાર કાઢી લીધા હતા.
પોલીસે બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ શું?
યુવક-યુવતીએ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે અંગે દમણ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક ચર્ચા મુજબ બંને પરપ્રાંતિય હોવાનું અને થોડા સમય પહેલાં જ એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાની વાત સામે આવી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે વધુ વિગતો બહાર આવવાની બાકી છે.
રાજીવ ગાંધી સેતુ પર સુરક્ષાના પગલાં જરૂરી
રાજીવ ગાંધી સેતુ પરથી અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની હોવાના કારણે હવે સેતુ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આત્મહત્યાના પ્રયાસોને અટકાવવા માટે સેતુ પર સુરક્ષા જાળ, CCTV કેમેરા અને અન્ય જરૂરી પગલાં અંગે તંત્રએ વિચારવું જરૂરી બન્યું છે.
બે જિંદગીઓ બચાવનાર માછીમારોની બહાદુરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. તેમની તાત્કાલિક નિર્ણયશક્તિ અને માનવતાભર્યા કાર્યએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સંકટની ઘડીમાં એક નાની મદદ પણ કોઈનું આખું જીવન બચાવી શકે છે.










