સાધના કોલોની નજીક LCBની રેડ, દારૂ-રીક્ષા-મોબાઈલ સહિત રૂ.1.37 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર: જામનગર શહેરમાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાધના કોલોની નજીક ઢાળીયા પાસે રોડ પરથી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 528 ચપલા દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
LCBની ટીમને શહેરમાં દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા સાધના કોલોની પહેલાં ઢાળીયા પાસે રોડ પર વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. શંકરટેકરી, નવી નિશાળ પાસે, પાણીના ટાંકા પાસેની ઓટો રીક્ષાની તલાશી લેવામાં આવી હતી.
રીક્ષાની તપાસ દરમિયાન વિદેશી દારૂના 528 ચપલા મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે રૂ.52 હજારની કિંમતનો દારૂ કબજે કર્યો હતો.
રીક્ષા અને મોબાઈલ સહિત રૂ.1.37 લાખનો મુદ્દામાલ
પોલીસે દારૂ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રીક્ષા સહિત કુલ રૂ.1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂ સપ્લાય કરનારનું નામ ખુલ્યું
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રીક્ષાચાલકને દારૂનો જથ્થો યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, રહે. આશીર્વાદ સોસાયટી, કિર્તીપાન વાળી ગલી, દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.










