અમેરિકન કોર્ટે રૂ.20 લાખથી વધુનો દંડ ફટકાર્યો, સજા બાદ ભારત ડિપોર્ટ કરાશે
સુરત: અમેરિકામાં ઘાતક ડ્રગ્સ ફેન્ટેનાઇલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં સુરતના એક વેપારીને અમેરિકન કોર્ટે 54 મહિનાની જેલની સજા ફટકારી છે. સુરતની કેમિકલ કંપની મારફતે અમેરિકા અને મેક્સિકોમાં કેમિકલ્સ મોકલવાના આરોપમાં 37 વર્ષીય ભાવેશ લાઠિયાને સજા કરવામાં આવી છે.
સુરતથી ચાલતું હતું કેમિકલ સપ્લાય નેટવર્ક
અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ પામેલા કે. ચેને ભાવેશ લાઠિયાને 54 મહિનાની જેલની સજા સંભળાવી છે. ભાવેશ સુરતસ્થિત રેક્સુટર કેમિકલ્સ કંપનીનો માલિક છે. તેણે અમેરિકન કોર્ટ સમક્ષ ગેરકાયદે સ્મગલિંગ અને ડ્રગ્સના ઉત્પાદનમાં ઉપયોગી કેમિકલ સપ્લાય કરવાનો ગુનો કબૂલ્યો હતો.
કોર્ટે તેને 24,560 અમેરિકન ડોલર એટલે કે રૂ.20 લાખથી વધુનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. સજા પૂર્ણ થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે.
કસ્ટમ્સથી બચવા પાર્સલ પર લગાવાતા ખોટા લેબલ
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, સુરતથી આ રસાયણો આંતરરાષ્ટ્રીય કુરિયર અને પાર્સલ મારફતે અમેરિકા મોકલવામાં આવતા હતા. કસ્ટમ્સ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે પાર્સલ પર ખોટી વિગતો અને બનાવટી લેબલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આરોપ છે.
અમેરિકન એજન્સીઓએ સપ્લાય ચેઇન તોડ્યાનો દાવો
ન્યૂયોર્કના યુએસ એટર્ની જોસેફ નોસેલા જુનિયરે જણાવ્યું કે ફેન્ટેનાઇલના ઓવરડોઝના કારણે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. આવા સમયે આ ઘાતક ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ સપ્લાય કરવાના ગંભીર પરિણામો આવી શકે છે.
હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સના એજન્ટ પીટ ગિઝાસના જણાવ્યા મુજબ, ભારતસ્થિત સપ્લાયર્સ સામેની કાર્યવાહી આ સપ્લાય ચેઇન તોડવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા છે.
અમેરિકન તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો અને કંપનીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ કરી રહી છે.










