બોટલો પર લખ્યું હતું ‘જસ્ટ ફોર સેલ ઇન પંજાબ’; કેમિકલ, ખાલી બોટલો અને સ્ટીકરો સહિતનો મુદ્દામાલ જપ્ત
મોરબી: ભાવનગરના લઠ્ઠાકાંડની તપાસ હજુ ચાલી રહી છે, ત્યાં જ મોરબી જિલ્લામાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. માળિયા તાલુકાના દહીંસરા ગામમાં એક મકાનમાં બનાવટી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે મોરબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાંથી બનાવટી દારૂ તૈયાર કરવા માટેનો સામાન મળી આવ્યો હતો. સ્થળ પરથી કેમિકલના બેરલ, રાજસ્થાનમાંથી મંગાવવામાં આવેલી ખાલી દારૂની બોટલો તેમજ વિવિધ બ્રાન્ડના સ્ટીકરો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસને સ્થળ પરથી અંદાજે 20 પેટી જેટલી બનાવટી દારૂની બોટલો પણ મળી આવી હતી. ખાસ વાત એ છે કે કેટલીક બોટલો પર ‘Just For Sale in Punjab’ લખાણ જોવા મળ્યું હતું. જોકે, આ બનાવટી દારૂનો જથ્થો બજારમાં પહોંચે અને વેચાણ થાય તે પહેલાં જ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
આ મામલે ફેક્ટરીના સંચાલન અને દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા કુલ 6 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બનાવટી દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળ કેટલું મોટું નેટવર્ક કાર્યરત હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










