2 લાખ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સી બંધ હોવાનો એસોસિએશનનો દાવો; સરખેજથી કાળુપુર અને ગીતામંદિર સુધી મુસાફરો પરેશાન
અમદાવાદ: ઓનલાઇન કેબ અને રાઇડ કંપનીઓની મનમાની, ઓછું વળતર અને ભાડાની નીતિના વિરોધમાં અમદાવાદના રિક્ષા અને ટેક્સી ચાલકોએ ત્રણ દિવસીય હડતાલનું એલાન આપ્યું છે. 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી જાહેર કરાયેલી આ હડતાલને કારણે આજે વહેલી સવારથી જ શહેરમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રિક્ષા અને ટેક્સી ચાલક એસોસિએશનનો દાવો છે કે હડતાલમાં શહેરની અંદાજે 2 લાખ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સીઓ જોડાઈ છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં મુસાફરોને સમયસર રિક્ષા કે ટેક્સી મળી શકી નહોતી.
ચાલકોનો આક્ષેપ છે કે ઓનલાઇન કંપનીઓ મુસાફરો પાસેથી મનફાવે તેવું ભાડું વસૂલે છે, પરંતુ રાઇડના પ્રમાણમાં ડ્રાઇવરોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાડાની સરખામણીએ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે મળતી રાઇડમાં ડ્રાઇવરોને ઓછું વળતર મળતું હોવાનો પણ ચાલકોએ આક્ષેપ કર્યો છે.
મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ પર મુસાફરોની મુશ્કેલી
હડતાલની સૌથી વધુ અસર શહેરના મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ અને પ્રવેશદ્વારો પર જોવા મળી હતી. સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, કાળુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેશન અને સાબરમતી રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં મુસાફરોને રિક્ષા અને ટેક્સી મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી.
કેટલાક સ્થળોએ હડતાલને સફળ બનાવવા માટે રસ્તા પર ચાલતી રિક્ષાઓને રોકવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. કેટલીક રિક્ષાઓમાં મુસાફરો જતા હતા ત્યારે તેમને રોકીને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા હોવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લઘુત્તમ ટેક્સી ભાડાની માંગ
ટેક્સી ચાલકોએ અમદાવાદમાં પણ અન્ય રાજ્યોની જેમ લઘુત્તમ ટેક્સી ભાડું નક્કી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે હાલની ભાડા વ્યવસ્થામાં ડ્રાઇવરોને પૂરતું વળતર મળતું નથી.
આ ઉપરાંત નોન-ટ્રાન્સપોર્ટ ટુ-વ્હીલર દ્વારા મુસાફરોને લઈ જતી ઓનલાઇન સેવાઓ સામે પણ રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. આવી સેવાઓના કારણે પરંપરાગત રિક્ષા વ્યવસાયને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો ચાલકોનો દાવો છે.
રિક્ષા અને ટેક્સી ચાલકોની માંગ છે કે ઓનલાઇન કંપનીઓની ભાડા નીતિ અને ડ્રાઇવરોને મળતા વળતર અંગે યોગ્ય નિયમો બનાવવામાં આવે તેમજ તેમની અન્ય માંગણીઓનું પણ નિરાકરણ લાવવામાં આવે.










