અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઇલ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ તપાસ દરમિયાન ધમકીભર્યો ઈ-મેઇલ ચેન્નઈથી મોકલાયો હોવાનું સામે આવતા પોલીસની ટીમે ચેન્નઈ પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને અમદાવાદ લાવી તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને આવ્યો હતો ધમકીભર્યો ઈ-મેઇલ
મળતી માહિતી મુજબ, શનિવારે 5 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના અધિકૃત ઈ-મેઇલ આઈડી પર ‘bomb rdx ahmedabad and surat court’ લખાયેલો ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો હતો. ઈ-મેઇલ મળતાં જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી તપાસ છતાં કોર્ટ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી.
IP એડ્રેસના આધારે ચેન્નઈ સુધી પહોંચી તપાસ
ધમકીભર્યો ઈ-મેઇલ અફવા હોવાનું સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને IP એડ્રેસ સહિતની વિગતોના આધારે તપાસ કરતા ઈ-મેઇલ ચેન્નઈથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
ત્યારબાદ સાયબર ક્રાઇમની ટીમ ચેન્નઈ પહોંચી હતી અને ઈ-મેઇલ મોકલનાર આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને અમદાવાદ લાવી હાલ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ હવે આરોપીએ કયા કારણોસર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, આ પાછળ કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આરોપીએ અગાઉ પણ આવી કોઈ હરકત કરી છે કે કેમ, તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.










