રસ્તાઓની સફાઈથી લઈને સર્કલની સજાવટ સુધી તડામાર તૈયારીઓ; સુરક્ષા માટે 2 હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. PMના આગમન પહેલાં વડોદરાના રસ્તાઓ, દિવાલો અને વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, રંગરોગાન અને સુશોભનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં અગાઉ જોવા મળતા ખાડા, ધૂળ અને ગંદકીની જગ્યાએ હવે સાફ-સફાઈ સાથે રંગરોગાન અને સજાવટ જોવા મળી રહી છે. જેના કારણે વડોદરાના બદલાયેલા દેખાવની ચર્ચા શહેરમાં જોવા મળી રહી છે.
રસ્તા-દિવાલો પર કલાત્મક ચિત્રોથી સજાવટ
વડાપ્રધાનના કાર્યક્રમના રૂટ અને આસપાસના વિસ્તારોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ સર્કલોને અલગ-અલગ થીમ સાથે સજાવવામાં આવ્યા છે અને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે.
બ્રિજ, દિવાલો તથા રસ્તાઓની આસપાસ કલાત્મક ચિત્રો દોરવાની સાથે સ્વચ્છતાના સંદેશ આપતા સ્લોગન પણ લખવામાં આવી રહ્યા છે. શહેરના બદલાયેલા દેખાવને કારણે સ્થાનિકોમાં પણ તેની ચર્ચા છે.
‘બુક માય શો’ પર રજિસ્ટ્રેશન, 24 કલાકમાં હાઉસફુલ
એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમવાર આ પ્રકારના કાર્યક્રમ માટે ‘બુક માય શો’ મારફતે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, રજિસ્ટ્રેશન શરૂ થયાના માત્ર 24 કલાકમાં જ કાર્યક્રમ હાઉસફુલ થઈ ગયો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ માટે ખાસ ‘Y’ આકારનો રેમ્પ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનું લાઈવ કવરેજ 4K ટેક્નોલોજીથી કરવામાં આવશે, જેના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરક્ષા માટે 2 હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત
PM મોદીની મુલાકાતને લઈને વડોદરામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, 11 DCP અને 17 ACP સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા અને બંદોબસ્તમાં તહેનાત રહેશે.
આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પંડ્યા બ્રિજથી ફતેહગંજ થઈ જૂના ‘વુડા’ સર્કલ સુધીના માર્ગને બંધ રાખવાની સાથે વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
PM મોદીના આગમન પહેલાં વડોદરામાં ચાલી રહેલી આ તૈયારીઓ વચ્ચે હવે 8 સપ્ટેમ્બરના કાર્યક્રમ પર સૌની નજર છે.










