ગાંધીનગર: પોલીસ આધુનિકીકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળતી ગ્રાન્ટમાં સતત વધારો થયો છે, પરંતુ 2024-25માં મળેલા ફંડનો માત્ર 50 ટકા જ ઉપયોગ થઈ શક્યો હતો. પરિણામે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતના રૂ.7.40 કરોડ વપરાયા વિના રહ્યા.
ગૃહ મંત્રાલયના રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2023-24થી 2025-26 દરમિયાન ગુજરાતને કુલ રૂ.44.99 કરોડની ગ્રાન્ટ મળી હતી, જેમાંથી રૂ.37.59 કરોડ ખર્ચાયા છે. એટલે રાજ્યનો કુલ ફંડ ઉપયોગ દર 83.55 ટકા રહ્યો, જે રાષ્ટ્રીય સરેરાશ 94.92 ટકાથી લગભગ 11 ટકા ઓછો છે.
વર્ષ 2023-24માં મળેલા રૂ.6.87 કરોડમાંથી સંપૂર્ણ રકમ ખર્ચાઈ હતી. જોકે 2024-25માં ફંડ વધીને રૂ.14.80 કરોડ થયું હોવા છતાં માત્ર રૂ.7.40 કરોડનો જ ઉપયોગ થયો હતો. ત્યારબાદ 2025-26માં મળેલા રૂ.23.32 કરોડનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમ, ત્રણ વર્ષ દરમિયાન વપરાયા વિના રહેલી સમગ્ર રૂ.7.40 કરોડની રકમ 2024-25ના ઓછા ખર્ચને કારણે રહી હતી.










