રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ન્યૂ ઓડિટોરિયમ ખાતે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 3:30 કલાકે ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ’ અને ‘લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ’ અર્પણ સમારોહ યોજાશે.
ગુજરાત સરકારના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં પૂ. મોરારિબાપુ દીપપ્રાગટ્ય કરી આશીર્વચન પાઠવશે. કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી અધ્યક્ષસ્થાને રહેશે અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
સમારોહમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ ઉપરાંત પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને પદ્મશ્રી હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
વર્ષ 2026નો ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ’ રાજુલ દવેને, જ્યારે ‘લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ’ બિહારીદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા મેઘાણી કેન્દ્રના નિયામક જે.એમ. ચંદ્રવાડિયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ અજયસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.










