રાજકોટ: જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાતમ-આઠમ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભાવિકોએ મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરના અન્નપૂર્ણાલયમાં દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થા અને સેવા માટે દરરોજ આશરે 250 સ્વયંસેવકોએ નિઃશુલ્ક સેવા આપી હતી. જન્માષ્ટમી નિમિત્તે મંદિર પરિસરને રોશની અને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું.
મંદિર ટ્રસ્ટ દ્વારા વાહનો માટે ચાર મોટા પાર્કિંગ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે મફત વ્હીલચેર તેમજ ચા-પાણીના પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. સુરક્ષા માટે નેશનલ હાઈવેથી મંદિર સુધી પોલીસ અને સ્વયંસેવકોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
શ્રાવણ સુદ આઠમના દિવસે રાધા-કૃષ્ણની આરતી અને મટકી ફોડ કાર્યક્રમ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર્શન સાથે ભક્તોએ ગાર્ડન, ગેઝિબો અને શક્તિવનમાં પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.










