વડોદરામાં PM મોદીના ‘રોકસ્ટાર’ અવતારની ધૂમ, GEN-Z સાથે કર્યો સંવાદ

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GEN-Z યુવાનો સાથે અનોખા અંદાજમાં સંવાદ કર્યો હતો. એમ.એસ. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ મેદાનમાં ખાસ તૈયાર કરાયેલા વાય-આકારના રેમ્પ પર ચાલીને PM મોદી યુવાનો સુધી પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘હીરાબાના લાલ, મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી’ ગીત સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ રેમ્પ પર ચાલતા-ચાલતા યુવાનો સાથે હાથ મિલાવ્યા અને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને આધુનિક 4K ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યો હતો.

PM મોદીના વડોદરા આગમન પહેલાં શહેરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ રાત્રે GEN-Z યુવાનો સાથે ગરબા કર્યા હતા, જ્યારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ જોષીએ પણ યુવાનો સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

PM મોદીના કાર્યક્રમ માટે BookMyShow પર ટિકિટ બુકિંગ શરૂ થયાના એક કલાકમાં જ તમામ સીટો ફુલ થઈ ગઈ હતી, જ્યારે 42 હજારથી વધુ લોકો વેઇટિંગમાં હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં પ્રથમ વખત QR કોડ આધારિત ડિજિટલ ટિકિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર PM મોદીના ‘રોકસ્ટાર’ અંદાજનો વીડિયો પોસ્ટ કરીને તેમના વડોદરા કાર્યક્રમનું સ્વાગત કર્યું હતું.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment