અમદાવાદ: વેતન સહિતની પડતર માંગણીઓને લઈને અમદાવાદના સરદાર ગાર્ડનમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ બે દિવસના ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. વિરોધ દરમિયાન બહેનોએ ગીતો ગાઈને સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
હાલ આંગણવાડી વર્કરને રૂ. 10 હજાર, હેલ્પરને રૂ. 5,500 અને આશા વર્કરને રૂ. 4,500 પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવે છે. કર્મચારીઓની માંગ છે કે તેમને યોગ્ય અને પૂરતું વેતન આપવામાં આવે.
હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ
ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પરના વેતન અંગે અનુક્રમે રૂ. 24,800 અને રૂ. 20,300 ચૂકવવાના હુકમ કરવામાં આવ્યા હોવાનો દાવો સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, રાજ્ય સરકારે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોવાથી આંગણવાડી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત નિવૃત્તિ વયમર્યાદા સહિતની અન્ય પડતર માંગણીઓનો પણ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.
માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન દવેએ જણાવ્યું કે, તેમની મુખ્ય માંગણી રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે તે છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉના આંદોલનો દરમિયાન સરકાર દ્વારા બેઠક યોજીને વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો અમલ થયો નથી.
તેમણે વધુમાં કહ્યું કે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે ત્યારે આંગણવાડી બહેનોને પૂરતું વેતન મળવું જરૂરી છે. જો સરકાર દ્વારા માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.










