વડોદરા: BCCIની આગામી ચૂંટણી પહેલાં જ બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ને મોટો ઝટકો લાગ્યો છે. BCAના પ્રતિનિધિ પ્રણવ અમીન હવે BCCIની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. ચૂંટણી અધિકારીએ તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.
BCAના પૂર્વ મેનેજિંગ કમિટી સભ્ય કલ્પેશ પરમારે પ્રણવ અમીનને BCCI ચૂંટણીમાં મતાધિકાર આપવા સામે વાંધો અરજી કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા આ અરજીની તપાસ કર્યા બાદ તેને ગ્રાહ્ય રાખવામાં આવી છે. પરિણામે પ્રણવ અમીનનું નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યું છે.
કામચલાઉ વહીવટ અંગે નિયમનો મુદ્દો
આ સમગ્ર વિવાદ BCAના કામચલાઉ વહીવટ સાથે જોડાયેલો છે. વાંધા અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે નિયમો મુજબ કામચલાઉ બોર્ડ અથવા વહીવટી વ્યવસ્થાને નીતિગત નિર્ણયો લેવાની સત્તા નથી. આ જ આધાર પર પ્રણવ અમીનના BCCI ચૂંટણીમાં પ્રતિનિધિત્વ અને મતાધિકાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
ચૂંટણી અધિકારીના નિર્ણય બાદ હવે BCCIની ચૂંટણીમાં BCAનું પ્રતિનિધિત્વ કોણ કરશે અને આગળની પ્રક્રિયા શું રહેશે તે અંગે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. BCCIની ચૂંટણીમાં દરેક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિનો મત મહત્વનો હોવાથી આ નિર્ણય BCA માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.










