રાજકોટ: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી નોંધપાત્ર વરસાદના અભાવે ખાસ કરીને ખેતી ક્ષેત્રની ચિંતા વધી છે. જોકે હવે આગામી શનિવારથી રાજ્યમાં ફરી મેઘમહેર થવાની શક્યતા છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે.
તેમણે જણાવ્યું કે ઓડિશા નજીક આગામી બે દિવસમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી આંતરરાષ્ટ્રીય મોડલોની સરખામણીએ ઓછા વરસાદ તરફ ઈશારો કરે છે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ?
12થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રીજીયનમાં અલગ-અલગ દિવસોએ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના આશરે 50 ટકા વિસ્તારમાં 20થી 35 મીમી, જ્યારે અન્ય વિસ્તારોમાં 35થી 75 મીમી સુધી વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રમાં પણ 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. આશરે 50 ટકા વિસ્તારમાં 25થી 50 મીમી, જ્યારે અન્ય વિસ્તારોમાં 25 મીમી સુધી વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનો આંકડો 100 મીમીને પાર જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
લો-પ્રેશરથી વરસાદની આશા
આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ ઓડિશા નજીક સર્જાનાર સંભવિત લો-પ્રેશર એરિયા અને તેની સાથે જોડાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) છે.
વિવિધ હવામાન મોડલમાં વરસાદ અંગે અલગ-અલગ અનુમાન જોવા મળી રહ્યા છે. GFS મોડલ ગુજરાતમાં અન્ય આંતરરાષ્ટ્રીય મોડલોની સરખામણીએ ઓછો વરસાદ દર્શાવે છે. જોકે સંભવિત લો-પ્રેશરની દિશા, તેની ટ્રેક અને મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ ખસવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.










