પૂ. મોરારીબાપુના હસ્તે ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ’ અને ‘હેમુ ગઢવી એવોર્ડ’ અર્પણ
રાજકોટઃ ગુજરાતની અસ્મિતા અને સાંસ્કૃતિક વિરાસત સમાન લોકસાહિત્ય તથા લોકસંગીત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રતિભાઓના સન્માન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલા આ સમારોહમાં પૂ. મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં બે પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી તથા હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પૂ. મોરારીબાપુ અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે લોકસાહિત્યના સંશોધન, સંપાદન તથા પ્રચાર-પ્રસાર ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને પત્રકાર રાજુલ દવેને ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ-2026’ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે લોકસંગીત અને ગાયન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ જાણીતા લોકગાયક બિહારીદાન ગઢવીને ‘લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સુતરની માળા અને શ્રીફળથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને તેના મૂલ્યો અંગે રોચક તથા વિચારપ્રેરક વક્તવ્ય આપ્યાં હતાં.
મુખ્ય અતિથિ ભાગ્યેશ જ્હા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશીએ પણ કાર્યક્રમની મહત્તા અને લોકસાહિત્ય-લોકસંગીતના સંવર્ધન અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. અંતે પૂ. મોરારીબાપુએ આશીર્વચન પાઠવી એવોર્ડ વિજેતાઓ સહિત ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી.










