રાજકોટમાં 17 PSIની આંતરિક બદલી : SOGમાં વધુ એક ફોજદારની નિમણૂક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એક મહિનામાં 226 પોલીસકર્મી અને 8 PI બાદ હવે 17 PSIની બદલી; સાયબર ક્રાઈમમાં 14 જવાનો મુકાયા, ક્રાઈમ બ્રાન્ચ માટે 200ના ઈન્ટરવ્યૂ

રાજકોટઃ રાજકોટ શહેર પોલીસમાં આંતરિક બદલીઓનો દોર યથાવત્ રહ્યો છે. અગાઉ ચાર તબક્કામાં 226 પોલીસકર્મીઓ અને 8 PIની આંતરિક બદલીના આદેશ બાદ હવે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ એકસાથે 17 PSIની આંતરિક બદલી કરી છે. આ ફેરબદલમાં SOG સહિત વિવિધ શાખા અને પોલીસ સ્ટેશનમાં PSIની નવી જવાબદારી નક્કી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ AHTUમાં ફરજ બજાવતા PSI આર.કે. ગોહિલને SOGમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત પી.જી. આલની તાલુકા પોલીસમાંથી પ્રોસિક્યુશન સેલમાં, એમ.જી. સોલંકીની થોરાળામાંથી AHTUમાં અને એસ.એમ. સૈયદની ટ્રાફિક શાખામાંથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

કયા PSIની ક્યાં બદલી?

કે.એસ. ભગોરાની ટ્રાફિકમાંથી B ડિવિઝનમાં, જે.આર. સોલંકીની B ડિવિઝનમાંથી A ડિવિઝનમાં, બી.આર. ભરવાડની તાલુકામાંથી પ્રદ્યુમનનગરમાં અને એમ.આઈ. શેખની તાલુકામાંથી B ડિવિઝનમાં બદલી કરાઈ છે.

આઈ.આઈ. કટિયાને ટ્રાફિકમાંથી રીડર ટુ ટ્રાફિક DCP, એસ.એસ. જાડેજાને એરપોર્ટમાંથી યુનિવર્સિટી, જે.એન. ગમારાને પ્રદ્યુમનનગરમાંથી તાલુકા પોલીસ અને આર.કે. સામુદ્રેને કુવાડવામાંથી ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે.

એચ.જે. સોલંકીની A ડિવિઝનમાંથી તાલુકા પોલીસમાં, બી.એસ. ચૌહાણની યુનિવર્સિટીમાંથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં, યુ.કે. બાંભણીયાની મહિલા પોલીસમાંથી કુવાડવામાં અને એમ.બી. રામાણીની રીડરમાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

એક મહિનામાં બદલીઓનો મોટો દોર

રાજકોટ શહેર પોલીસમાં છેલ્લા એક મહિનાથી આંતરિક બદલીઓનો દોર ચાલી રહ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં 226 પોલીસકર્મીઓ અને 8 PIની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. હવે વધુ 17 PSIની બદલી થતાં પોલીસ બેડામાં ફરી એકવાર મોટા ફેરફાર જોવા મળ્યા છે.

એક જ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની પણ આગામી દિવસોમાં બદલી થવાની શક્યતા છે. જેના પગલે પોલીસ બેડામાં વધુ એક બદલીનો લીથો જાહેર થાય તેવી ચર્ચા ચાલી રહી છે.

સાયબર ક્રાઈમને 14 જવાનોની તાકાત

PSIની બદલીના એક દિવસ અગાઉ શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે અલગ-અલગ પોલીસ મથકમાંથી 14 પોલીસકર્મીઓને સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા હતા.

બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચને વધુ મજબૂત બનાવવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક માટે આશરે 200 પોલીસકર્મીઓના ઈન્ટરવ્યૂ કમિટી દ્વારા લેવામાં આવ્યા છે. આગામી સમયમાં ક્રાઈમ બ્રાન્ચમાં પણ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફની નિમણૂક થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai