નેપાળમાં હજુ 30 ગુજરાતી લાપતા, 29 પરિવારોના DNA સેમ્પલ લેવાયા

ગુમ થયેલા લોકોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગ શરૂ; ગુજરાત સરકાર NRGF, કેન્દ્ર અને નેપાળ સત્તાવાળાઓ સાથે સંકલનમાં

ગાંધીનગરઃ નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિનનિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી DNA સેમ્પલ એકત્ર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. તાજી માહિતી મુજબ નેપાળમાં પૂર બાદ ગુજરાતના કુલ 30 લોકો હજુ સંપર્કવિહોણા છે. આ પૈકી 29 ગુમ થયેલા લોકોના પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી એક કેસમાં પ્રક્રિયા ચાલી રહી છે.

એકત્રિત કરાયેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. પૂર બાદ મળી આવેલા મૃતદેહો અથવા માનવ અવશેષોની ઓળખ કરવામાં આ DNA પ્રોફાઇલ મહત્વની સાબિત થશે. ઓળખ પ્રક્રિયા માટે ગુજરાત સરકાર ભારત સરકાર અને નેપાળમાં કાર્યરત સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંકલનમાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ગુમ થયેલા ગુજરાતીઓ અને વિદેશમાં સ્થાયી ગુજરાતીઓના પરિવારજનોને જરૂરી સહાય અને માર્ગદર્શન આપી રહી છે. સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) દ્વારા DNA સેમ્પલ એકત્ર કરવાની કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ગુમ થયેલા વ્યક્તિના નજીકના પ્રથમ-સ્તરના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. DNA પ્રોફાઇલિંગ માટે દેશભરમાં નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર નિયુક્ત લેબોરેટરીઓ દ્વારા આ સેવા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી છ નિયુક્ત લેબોરેટરીઓ મારફતે DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર, વિદેશ મંત્રાલય (MEA) સાથે સંકલનમાં રહીને DNA પ્રોફાઇલિંગ તથા નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા વચ્ચે જરૂરી સંકલન કરી રહી છે.

વિદેશમાં રહેતા ગુમ થયેલા ગુજરાતીઓના પરિવારજનોના DNA સેમ્પલ સંબંધિત દેશોના સ્થાનિક સત્તાવાળાઓના સહયોગથી એકત્રિત કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા તથા આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કેસોમાં NRGF સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી સેમ્પલ અને ઓળખ પ્રક્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે.

DNA પ્રોફાઇલિંગના અહેવાલો સંબંધિત લેબોરેટરીઓ દ્વારા નેપાળ સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સંપર્ક માધ્યમો મારફતે સીધા નેપાળ સરકારને મોકલવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા પૂર બાદ ગુમ થયેલા લોકોની ઓળખ ઝડપથી થઈ શકે અને તેમના પરિવારોને ચોક્કસ માહિતી મળી શકે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment