ગાંધીનગરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026

15થી 18 સપ્ટેમ્બર દરમિયાન મહાત્મા મંદિરમાં 2500થી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ; 146 પ્રદર્શન સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે

ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આગામી તા. 15થી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાનું વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026 (WCEF-2026) યોજાશે. મહાત્મા મંદિર ખાતે પ્રથમ વખત યોજાનાર આ વૈશ્વિક ફોરમ ગુજરાત માટે મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહેશે.

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં નીતિ સંવાદ, જ્ઞાન અને માહિતીના આદાન-પ્રદાન તથા આંતરરાષ્ટ્રીય સહકાર માટે WCEF એક મહત્વપૂર્ણ વૈશ્વિક મંચ છે. ફોરમના 10મા સોપાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે કરવામાં આવશે.

આ ફોરમમાં સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ, ટકાઉ ઉત્પાદન અને વપરાશ, નવીનતા તથા સર્ક્યુલર ઇકોનોમી આધારિત વ્યવસાયિક મોડેલ્સને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થશે. વૈશ્વિક નીતિ નિર્માતાઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓ માટે પણ આ ફોરમ મહત્વનું પ્લેટફોર્મ બનશે.

દેશ-વિદેશમાંથી અંદાજે 2500 પ્રતિનિધિઓ WCEF-2026માં ભાગ લેશે. ભારત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાત સરકારની ભાગીદારીથી અને ફિનલેન્ડની SITRAના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ફોરમ દરમિયાન કુલ 4 પ્લેનરી સેશન, 16 પેરેલલ ટેકનિકલ સેશન અને 80 એક્સેલરેટર સેશન યોજાશે. આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે કુલ 146 પ્રદર્શન સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે, જેમાં 11 આંતરરાષ્ટ્રીય અને 135 ભારતીય સ્ટોલ્સનો સમાવેશ થાય છે. ભારતીય સ્ટોલ્સમાંથી 63 સ્ટોલ્સ ગુજરાતના રહેશે.

WCEF-2026ના માધ્યમથી ભારત અને ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી, રિસોર્સ એફિશિયન્સી, ટકાઉ ઔદ્યોગિક વિકાસ, રિસાઈકલિંગ, કચરા વ્યવસ્થાપન અને મિશન LiFE જેવા ક્ષેત્રોમાં કરાયેલા પ્રયાસો તથા નેતૃત્વને વૈશ્વિક મંચ પર રજૂ કરશે. આ ફોરમથી ગુજરાતમાં ટકાઉ વિકાસ અને સર્ક્યુલર ઇકોનોમીને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment