કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી.
આ પ્રવાસીઓમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2005માં શરૂ થયેલો રણોત્સવ આજે માત્ર ત્રણ દિવસ પૂરતો સીમિત ન રહેતા ચાર મહિના સુધી ચાલતો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો છે.
રણોત્સવથી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને રોજગારી તથા આર્થિક આત્મનિર્ભરતાની તકો મળી રહી છે. વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર ધોરડોમાં પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણ જાળવણી પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સેવા શરૂ કરાઈ છે. ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું છે તેમજ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવી છે.
2025-26 દરમિયાન વિવિધ આકર્ષણો પર મુલાકાતીઓ:
સાંસ્કૃતિક કાર્યક્રમ: 58,679
થીમ પેવેલિયન: 1,35,366
ફન ઝોન/ચિલ્ડ્રન એક્ટિવિટી: 19,812
લાઈટ એન્ડ સાઉન્ડ શો: 1,08,315
ફૂડ સ્ટોલ: 2,31,786










