અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા દંપતી સાથે ગેસ બિલ અપડેટ કરવાના બહાને સાયબર છેતરપિંડી થઈ છે. ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી ઠગોએ દંપતીના મોબાઈલમાં ‘ગેસ બિલ અપડેટ’ નામની શંકાસ્પદ APK એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ માત્ર રૂ.10નું પેમેન્ટ કરાવવાના બહાને બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.11,58,442 ટ્રાન્સફર કરી લીધા હતા.
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 49 વર્ષીય જિગર મોદીને 6 સપ્ટેમ્બરે વોટ્સએપ પર ‘અદાણી ગેસ લિમિટેડ’ના નામે મેસેજ મળ્યો હતો. તેમાં તેમનું PNG ગેસ બિલ અપડેટ ન થયું હોવાનું જણાવી તાત્કાલિક બિલ ક્લિયર નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી હતી.
મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં રાકેશ મિશ્રા નામના વ્યક્તિએ બિલ અપડેટ કરવાના બહાને વોટ્સએપ પર APK ફાઈલ મોકલી હતી. જિગર મોદીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી એકાઉન્ટ વેરિફિકેશનના નામે માત્ર રૂ.10નું ઓનલાઈન પેમેન્ટ કરવા જણાવાયું હતું.
જિગર મોદીએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો નાખીને પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવાર એરર આવતી હતી. ઠગે મોબાઈલ નેટવર્કમાં સમસ્યા હોવાનું કહી તેમના પત્નીનો નંબર મેળવ્યો અને તેમના મોબાઈલમાં પણ એ જ APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી પેમેન્ટ કરાવવાનો પ્રયાસ કર્યો.
પેમેન્ટમાં સતત એરર આવતા જિગર મોદીને શંકા ગઈ અને તેમણે ફોન કાપી નાખ્યો. જોકે ત્યાં સુધીમાં નકલી APK એપ્લિકેશન મારફતે ઠગે બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ રૂ.11,58,442 ઉપાડી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.










