ફેક GST રજિસ્ટ્રેશન પર હાઈકોર્ટનો કડક આદેશ : બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન વગર નવું રજિસ્ટ્રેશન નહીં
નવી દિલ્હી, તા. 11: ફેક GST રજિસ્ટ્રેશનના કૌભાંડ પર લગામ કસવા દિલ્હી હાઈકોર્ટે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે દેશભરના GST સત્તાવાળાઓને બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન વિના નવા GST રજિસ્ટ્રેશનને મંજૂરી નહીં આપવા સૂચના આપી છે.
દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ અને જસ્ટિસ શૈલ જૈનની બેન્ચે PAN અને Aadhaarની વિગતોનો દુરુપયોગ કરીને થતા ફેક GST રજિસ્ટ્રેશનની ગંભીરતા ધ્યાનમાં લઈને આ આદેશ આપ્યો છે. કોર્ટે ફેક રજિસ્ટ્રેશન રોકવા માટે અન્ય સુરક્ષા પગલાં પર પણ વિચાર કરવા GST સત્તાવાળાઓને જણાવ્યું છે.
બે વર્ષમાં રૂ.28,194 કરોડની કરચોરી
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2023-24 દરમિયાન 2,800 ફેક GST રજિસ્ટ્રેશનના કેસમાં રૂ.15,085 કરોડની કરચોરી સામે આવી હતી. જ્યારે 2024-25માં 1,654 ફેક રજિસ્ટ્રેશનના કેસમાં રૂ.13,109 કરોડની કરચોરી ઝડપાઈ હતી. આમ, બે વર્ષમાં કુલ રૂ.28,194 કરોડની કરચોરીના કેસ સામે આવ્યા છે.
કોર્ટે નોંધ્યું હતું કે સરકાર અગાઉ GST રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન ફરજિયાત કરવાની વાત કરી ચૂકી છે, પરંતુ તેનો સંપૂર્ણ અમલ થયો ન હોવાનું સામે આવ્યું છે.
હાઈકોર્ટે ફેક GST રજિસ્ટ્રેશનને રોકવા માટે વધુ અસરકારક સુરક્ષા વ્યવસ્થા અંગે પણ વિચાર કરવા સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાશે.
હાલમાં આ દિલ્હી હાઈકોર્ટનો વચગાળાનો આદેશ છે, પરંતુ તેના કારણે દેશભરમાં નવા GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનને લઈને મહત્વનો ફેરફાર સામે આવ્યો છે.










