ચામડીયા ખાટકીવાડમાં અલ્તાફ ખિયાણી અને ટોળકીનો આતંક : BMW સહિત 4 વાહનોમાં તોડફોડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ધોકા-પાઇપ સાથે ધસી આવેલા શખ્સોએ કાર, રિક્ષા અને બાઇકના કાચ-મોરા તોડ્યા : વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

મોચીબજારના ચામડીયા ખાટકીવાડ વિસ્તારમાં રાત્રિના સમયે અલ્તાફ બશીર ખિયાણી અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવી વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટોળકીએ BMW કાર, રિક્ષા, બાઇક અને એક્સેસ સહિતના વાહનોને નિશાન બનાવ્યા હતા. દરમિયાન વૃદ્ધે તોડફોડ અટકાવવાનો પ્રયાસ કરતાં તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ અંગે મોચીબજાર ચામડીયા ખાટકીવાડમાં રહેતા 68 વર્ષીય રજાકભાઈ સિદ્દીકભાઈ શેખે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.9ની રાત્રે તેઓ ઘરે સુતા હતા ત્યારે બહાર ધડાકા જેવો અવાજ સંભળાતા ડેલો ખોલીને જોયું હતું. બહાર કેટલાક શખ્સો ધોકા-પાઇપ જેવા હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા.

આ શખ્સોએ ઘરની બહાર પાર્ક કરેલી BMW કાર નંબર DL-01-CP-5868નો પાછળનો કાચ અને નંબર પ્લેટ તોડી નાખ્યા હતા. ઉપરાંત ફરિયાદીની રિક્ષા નંબર GJ-03-BX-6104નો આગળનો કાચ તોડી સાઇડમાં ઘોબા પાડ્યા હતા. વૃદ્ધના ભત્રીજા અખ્તર મુસ્તાર શેખની R15 બાઇક નંબર GJ-03-HP-7032માં પણ આગળનો મોરો, ટાંકી અને અન્ય ભાગોમાં નુકસાન કરવામાં આવ્યું હતું. એક્સેસ નંબર GJ-03-NQ-1426માં પણ આગળના ભાગ અને લાઇટને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

વૃદ્ધે વાહનોમાં નુકસાન કરવાની ના પાડતાં શખ્સોએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બનાવ બાદ વૃદ્ધે બાજુના ફ્રુટ ગોડાઉનમાં કામ કરતા હિમાંશુ બલદાઈને પૂછતાં તેણે તોડફોડ કરનારાઓમાં અલ્તાફ ખિયાણી અને તેની સાથેના માણસો હોવાની વાત જણાવી હતી.

ફરિયાદ મુજબ બાજુમાં આવેલા ગોડાઉનના સંચાલક શબીરભાઈ સાથે અલ્તાફ ખિયાણીનો અગાઉ ઝઘડો થયો હતો. આ જૂના વિવાદને પગલે અલ્તાફ અને તેના સાગરીતોએ વાહનોમાં તોડફોડ કરી હોવાની ફરિયાદમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai