17 સપ્ટેમ્બર સુધી દોઢથી છ ઇંચ સુધી વરસાદની શક્યતા : કેટલાક વિસ્તારોમાં 150 મીમીથી વધુ વરસાદની આગાહી, સરદાર સરોવર 93%થી વધુ ભરાયો
રાજકોટ, તા.12 : સવા મહિનાથી વરસાદ ખેંચાતા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચિંતાનું વાતાવરણ વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. હવામાનની સ્થિતિમાં બદલાવ આવતા આવતીકાલથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ તા.17 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
હાલ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક સર્જાયેલું લો-પ્રેશર દક્ષિણ છત્તીસગઢ તથા આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. આગામી 24 કલાકમાં સિસ્ટમ દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ તરફથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં 35થી 75 મીમી વરસાદની શક્યતા
મોન્સૂન ટ્રફ પણ હવે તેની સામાન્ય સ્થિતિ તરફ પરત ફર્યો છે અને આગામી એક-બે દિવસમાં વધુ દક્ષિણ તરફ ખસી શકે છે. પરિણામે તા.12થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનમાં અલગ-અલગ દિવસોએ છૂટાછવાયા તેમજ કેટલાક વિસ્તારોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન ગુજરાતના આશરે 50 ટકા વિસ્તારમાં 35થી 50 મીમી, જ્યારે બાકીના 50 ટકા વિસ્તારમાં 50થી 75 મીમી સુધીનો કુલ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ વરસાદ પણ પડી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. અહીં પણ 50 ટકા વિસ્તારમાં 35થી 50 મીમી અને બાકીના 50 ટકા વિસ્તારમાં 50થી 75 મીમી સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘમહેર
વરસાદના નવા રાઉન્ડની શરૂઆતના સંકેત વચ્ચે આજે સવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન 39 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ડાંગના સુબીરમાં સૌથી વધુ 43 મીમી એટલે કે 1.70 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદાના સાગબારામાં 37 મીમી, તાપીના ઉકાઈમાં 24 મીમી, ડાંગમાં 20 મીમી, ઉચ્છલમાં 17 મીમી, સુરતના ઉમરપાડામાં 14 મીમી, નર્મદાના ચીકડા વિસ્તારમાં 12 મીમી અને સોનગઢમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ હળવા ઝાપટા પડ્યા હતા.
સરદાર સરોવર ડેમ 93%થી વધુ ભરાયો
દરમિયાન ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમ 93 ટકાથી વધુ ભરાઈ ગયો છે. વરસાદ ખેંચાતા પીવાના પાણીની ચિંતા વચ્ચે ડેમમાં સંગ્રહિત પાણીનું ઊંચું સ્તર રાજ્ય માટે મોટી રાહતરૂપ બન્યું છે.
હાલ નર્મદા ડેમની જળસપાટી 136.64 મીટર પહોંચી છે, જ્યારે મહત્તમ સપાટી 137.68 મીટર છે. ડેમમાં હાલ આશરે 8819.40 મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે અને કુલ સંગ્રહ ક્ષમતાના 93.23 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
ઉપરવાસમાંથી ડેમમાં હાલ 68,716 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તો ડેમમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે.