સ્ટ્રેચર બેડ નીચે બનાવ્યું હતું ગુપ્ત ખાનુ : 1,968 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.10.66 લાખનો મુદ્દામાલ જપ્ત
બાબરા : દર્દીઓને સારવાર માટે લઈ જવા ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં જ વિદેશી દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરનો કીમિયો બાબરા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકી તપાસ કરતાં સ્ટ્રેચર બેડની નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી દારૂ સહિત કુલ રૂ.10.66 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ ગોંડલ ગામે વોરા કોટડા રોડ, જેલ સામે આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (ઉં.વ.34) એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે કામ કરે છે. તે પોતાની હવાલાવાળી એમ્બ્યુલન્સ નં. GJ-05-AV-5525 લઈને તા.11ના રોજ સાંજે આશરે 6:15 વાગ્યે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો.
એમ્બ્યુલન્સ બાબરા નજીક આંબલીધાર બાદ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપથી થોડે આગળ ઉંટવડ ગામની સીમમાં પહોંચી ત્યારે બાબરા પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં દર્દીઓ માટે બનાવાયેલા કેબીનમાં ડ્રાઇવર સીટની પાછળ આવેલા સ્ટ્રેચર બેડની નીચે ગુપ્ત રીતે બનાવેલું ખાનુ મળી આવ્યું હતું. આ ખાનામાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.
પોલીસે ગુપ્ત ખાનામાંથી 180 મિ.લી.ની એક બ્રાન્ડની 672 બોટલ કિંમત રૂ.1,35,072 તથા બીજી બ્રાન્ડની 180 મિ.લી.ની 1,296 બોટલ કિંમત રૂ.2,21,616 મળી કુલ 1,968 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થાની કુલ કિંમત રૂ.3,56,688 ગણવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલી એમ્બ્યુલન્સ કિંમત રૂ.7 લાખ અને એક મોબાઇલ ફોન કિંમત રૂ.10 હજાર કબજે કર્યો હતો. આમ, દારૂ, એમ્બ્યુલન્સ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10,66,688નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ પણ ચોંકી ઉઠી
સામાન્ય વાહનને બદલે દર્દીઓને લઈ જવા માટેની એમ્બ્યુલન્સમાં દારૂ સંતાડવાની મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્ટ્રેચર બેડની નીચે ખાસ ગુપ્ત ખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ હોવાથી સામાન્ય વાહન કરતાં પોલીસની નજરથી બચી શકાય તેવી ગણતરી કરવામાં આવી હોવાની આશંકા છે.
બાબરા પોલીસે આરોપી સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.