અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 12 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ આજે 14 સપ્ટેમ્બરે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધે જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
8 કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ
આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વટવામાં 5.61 ઈંચ અને લાંભામાં 5.53 ઈંચ નોંધાયો છે.
વટવા: 5.61 ઈંચ
લાંભા: 5.53 ઈંચ
બોપલ: 5.24 ઈંચ
સરખેજ અર્બન હેલ્થ: 5.12 ઈંચ
મક્તમપુરા: 4.92 ઈંચ
જોધપુર ઝોનલ: 4.74 ઈંચ
બાકરોલ: 4.74 ઈંચ
દુધેશ્વર: 4.63 ઈંચ
જોધપુર: 4.47 ઈંચ
ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા.
શેલામાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ
અમદાવાદના શેલા વિસ્તારમાં ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહેલી એકલવ્ય સ્કૂલની બસ અચાનક બંધ પડી હતી. બસમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં શાળા દ્વારા બીજી બસ સ્થળ પર મોકલવામાં આવી હતી. ત્યારબાદ પાણી વચ્ચે જ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બીજી બસમાં શિફ્ટ કરી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
શાળાઓ બંધ રાખવા અંગે સ્થાનિક સ્તરે નિર્ણય લેવા સૂચના
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે શાળાઓ માટે મહત્વપૂર્ણ સૂચના આપી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની તમામ શાળાઓના સંચાલકોને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે યોગ્ય નિર્ણય લેવા જણાવાયું છે.
વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા આપવા તેમજ શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાય તો વાલીઓને સમયસર જાણ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
6 કલાકમાં જ વટવા-લાંભામાં 4 ઈંચથી વધુ વરસાદ
આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં પણ અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન વટવામાં 4.37 ઈંચ અને લાંભામાં 4.21 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બપોરે 2 વાગ્યા સુધી વરસાદનું જોર યથાવત રહેતાં બંને વિસ્તારોમાં કુલ વરસાદ સાડા પાંચ ઈંચને પાર પહોંચ્યો હતો.










