કોરા કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: જામનગર-દ્વારકામાં પણ મેઘમહેર, 7 ઈંચ સુધી વરસાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ઓછા વરસાદથી તરસતા કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કચ્છમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સવા સાત ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

સત્તાવાર આંકડા મુજબ કચ્છના અંજારમાં સૌથી વધુ 184 મીમી (સવા સાત ઈંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગાંધીધામમાં 117 મીમી, ભચાઉમાં 112 મીમી, અબડાસામાં 55 મીમી, ભુજમાં 84 મીમી, લખપતમાં 77 મીમી, માંડવીમાં 52 મીમી, મુંદ્રામાં 90 મીમી, નખત્રાણામાં 60 મીમી અને રાપરમાં 60 મીમી વરસાદ નોંધાયો હતો.

એક જ દિવસમાં કચ્છમાં સિઝનના વરસાદના 18 ટકા જેટલો વરસાદ વરસી ગયો હતો. અગાઉ સિઝનનો વરસાદ 30 ટકા પણ પહોંચ્યો ન હતો, જે હવે વધીને 48.62 ટકા થયો છે.

જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. જામનગર શહેરમાં 142 મીમી, ધ્રોલમાં 58 મીમી, જામજોધપુરમાં 67 મીમી, જોડિયામાં 70 મીમી, કાલાવડમાં 17 મીમી અને લાલપુરમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં 49 મીમી, દ્વારકામાં 17 મીમી, કલ્યાણપુરમાં 27 મીમી અને ખંભાળિયામાં 26 મીમી વરસાદ થયો હતો. જ્યારે પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં 83 મીમી, પોરબંદરમાં 50 મીમી અને રાણાવાવમાં 25 મીમી વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ અને સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરનો સમાવેશ થતો હતો. હવે નોંધપાત્ર વરસાદ થતાં આ વિસ્તારોમાં વરસાદની ઘટમાં રાહત મળવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai