ગુજરાતમાં ફરી એકવાર મેઘસવારી શરૂ થતાં અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કાળાડિબાંગ વાદળોથી શહેરમાં દિવસ દરમિયાન જ અંધારપટ છવાઈ ગયો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે સ્કૂલ બસ સહિતના અનેક વાહનો પણ પાણીમાં ફસાયા હતા.
અમદાવાદમાં સવારથી જ મેઘરાજાએ મુકામ કર્યો હતો. પશ્ચિમ અમદાવાદના હેલ્મેટ સર્કલ, ગુરુકુળ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઇટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદનગર, ઇસ્કોન અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે અંધારપટની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી માત્ર 6 કલાકમાં શહેરના કેટલાક વિસ્તારોમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વટવામાં 4.37 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત બોપલમાં 3.44 ઈંચ, રામોલમાં 3.37 ઈંચ, જોધપુરમાં 3.37 ઈંચ, ઇન્દ્રપુરીમાં 3.31 ઈંચ તેમજ સરખેજ, દુધેશ્વર અને મણિનગરમાં 3.30 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.










