રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ અને ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે 10:03 વાગ્યે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ તેમજ રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. બનાવની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈ-મેઈલ મળતાની સાથે જ પોલીસની ટીમો રાજકોટ કોર્ટ પરિસરમાં દોડી ગઈ હતી. કોર્ટની કામગીરી શરૂ થાય તે પહેલાં જ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ કોર્ટના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.
ઈ-મેઈલમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 3:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વાડીનાર પોર્ટથી નયારા રિફાઈનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની ધમકી પણ આપવામાં આવી છે.
મહાત્મા મંદિર ખાતે આઈફોનની બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો પણ ઈ-મેઈલમાં ઉલ્લેખ કરાયો છે. પોર્ટ અને રિફાઈનરી પર હુમલા માટે 18 સપ્ટેમ્બરની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ધમકીભર્યા ઈ-મેઈલમાં પોતાને ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વિવિધ ખાલિસ્તાની નેતાઓ તથા સંગઠનોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલમાં ગુજરાત અને પંજાબને લગતા વાંધાજનક દાવાઓ પણ કરવામાં આવ્યા છે.
રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર અને ગાંધીનગર સહિતના સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની ધમકી મળતાં સમગ્ર મામલાની માહિતી સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈ-મેઈલની સત્યતા, મોકલનાર અને ધમકી પાછળના ઈરાદાની તપાસ હાથ ધરવામાં આવી છે.










