ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી મોટાભાગે કોરા રહેલા કચ્છનું ચિત્ર માત્ર 30 કલાકમાં જ પલટી ગયું છે. મેઘરાજાએ કચ્છમાં ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ અને 30 કલાકમાં કુલ 9 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો.
અંજારમાં 8 ઈંચ, અનેક માર્ગો જળબંબાકાર
સોમવારે આખો દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ મંગળવારે પણ સવારથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. માંડવીમાં સવારે 8થી 10 વાગ્યા દરમિયાન બે કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પડેલા 2 ઈંચ સાથે 30 કલાકમાં કુલ 9 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અંજારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં 184 મીમી વરસાદ બાદ આજે વધુ 14 મીમી વરસાદ પડતાં કુલ વરસાદનો આંકડો આશરે 8 ઈંચ સુધી પહોંચ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
ભચાઉ, ભુજ અને ગાંધીધામમાં પણ મેઘમહેર
અબડાસામાં 24 કલાકમાં 55 મીમી વરસાદ બાદ આજે બપોર સુધીમાં વધુ 27 મીમી વરસાદ નોંધાયો હતો. ભચાઉમાં 24 કલાક દરમિયાન 112 મીમી વરસાદ ખાબકતાં અનેક માર્ગો જળબંબાકાર બન્યા હતા.
ભુજમાં અગાઉના દિવસે 84 મીમી વરસાદ બાદ આજે વધુ 32 મીમી પાણી પડ્યું હતું. ગાંધીધામમાં 24 કલાકમાં 117 મીમી વરસાદ બાદ આજે વધુ 16 મીમી વરસાદ નોંધાયો હતો. લખપતમાં 24 કલાકમાં 77 મીમી બાદ આજે વધુ 20 મીમી વરસાદ પડ્યો હતો.
મુંદ્રામાં 24 કલાકમાં 90 મીમી વરસાદ બાદ આજે સવારથી બપોર સુધીમાં વધુ 40 મીમી વરસાદ નોંધાયો હતો. નખત્રાણામાં 30 કલાકમાં 86 મીમી, જ્યારે રાપરમાં 24 કલાકમાં આશરે અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
ચોમાસાની વિદાય વેળાએ કચ્છનું ચિત્ર બદલાયું
ચોમાસાની વિદાય નજીક હોવા છતાં કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. થોડા દિવસો પહેલાં સુધી સિઝનનો સરેરાશ વરસાદ 30 ટકા સુધી પણ પહોંચ્યો ન હતો, પરંતુ છેલ્લા 24થી 30 કલાકના ભારે વરસાદ બાદ કચ્છનો સિઝનનો સરેરાશ વરસાદ 50 ટકાથી પણ વધુ થઈ ગયો છે. ભારે વરસાદે કોરા રહેલા કચ્છને પાણી-પાણી કરી નાખતાં ચોમાસાની સિઝનનું સમગ્ર ચિત્ર જ બદલાઈ ગયું છે.










