સુરત જિલ્લાના કામરેજમાં નકલી ખાદ્ય તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર CID ક્રાઈમ અને સુરત જિલ્લા અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી નવાગામ GIDCમાં આવેલા એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નકલી બ્રાન્ડના સ્ટીકર લગાવી ખાદ્ય તેલનું પેકિંગ કરી બજારમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
નવાગામ GIDCમાં ‘શિવ ટ્રેડિંગ કંપની’ પર દરોડો
સુરત ફૂડ સેફ્ટી ઓફિસર ટી.કે. નાગરના જણાવ્યા મુજબ ગાંધીનગર CID ક્રાઈમ અને આરોગ્ય મંત્રીની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કામરેજના નવાગામ GIDCની નવકાર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ‘શિવ ટ્રેડિંગ કંપની’ના નામે આ કારખાનું ચાલતું હતું. અહીં જયેશ હીરપરા નામનો શખસ સિંગતેલ સહિતના ખાદ્ય તેલનું પેકિંગ અને વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નકલી બ્રાન્ડના સ્ટીકર લગાવી તેલનું વેચાણ
દરોડા દરમિયાન તપાસમાં ‘સન પ્લસ’, ‘સૌરાષ્ટ્ર સિંગતેલ’ અને ‘પલ સિંગતેલ’ જેવી બ્રાન્ડના નામના સ્ટીકરોનો ઉપયોગ કરી તેલનું પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ટીમે સ્થળ પરથી તૈયાર માલ, પેકિંગ મટીરિયલ અને અન્ય સાધનસામગ્રી સહિત અંદાજે રૂ.20.30 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
તેલના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
ફૂડ વિભાગે સ્થળ પરથી મળી આવેલા તેલના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ તેલની ગુણવત્તા અને તેમાં ભેળસેળ અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ જયેશ હીરપરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા જણાવાયું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્યચીજોમાં ગેરરીતિ કરતા તત્વો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાદ્યચીજોના ઉત્પાદન, પેકિંગ અને વેચાણને લઈને તપાસ વધુ સઘન બનાવવામાં આવી રહી છે.










