જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આગ તથા અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બને તે માટે મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના કાફલામાં 10 નવા અત્યાધુનિક વાહનો ઉમેરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની વાહન ફિટનેસ અને સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત મુદત પૂર્ણ કરી ચૂકેલા ફાયર વિભાગના 14 જૂના વાહનોને સેવામુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની જગ્યાએ નવા અને આધુનિક સાધનોથી સજ્જ વાહનોની ખરીદી કરવામાં આવી છે.
નવા કાફલામાં 4 વોટર બાઉઝર, 3 મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, 2 મિની ફાયર ટેન્ડર અને 1 ટોયોટા હાઇલેક્સ કોન્વોય વ્હીકલનો સમાવેશ થાય છે.
આગ અને આપત્તિ સમયે ઝડપી કામગીરી
જામનગરમાં ગીચ અને સાંકડા રસ્તાઓ, ઔદ્યોગિક વિસ્તારો તેમજ હાઇરાઇઝ ઇમારતોમાં આગ જેવી ઘટના બને ત્યારે ફાયર ટીમ માટે ઝડપથી ઘટનાસ્થળે પહોંચવું મહત્વપૂર્ણ બને છે. નવા વાહનો અને આધુનિક સાધનોના ઉમેરાથી આવી પરિસ્થિતિમાં રાહત તથા બચાવ કામગીરી વધુ સક્ષમ રીતે હાથ ધરી શકાશે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે નવા વાહનોનો સમાવેશ મહત્વપૂર્ણ પગલું છે.