UPI ટ્રાન્ઝેક્શન માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્કને લઈને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. NPCIના નવા પરિપત્ર મુજબ તમામ વ્યવહારો પર એકસમાન ચાર્જ નહીં લાગે. ₹2,000થી ઓછી રકમના પર્સન-ટુ-મર્ચન્ટ UPI વ્યવહારો પર MDR શૂન્ય રહેશે, જ્યારે ₹2,000થી વધુના કેટલાક વ્યવહારો પર 0.4% MDR લાગુ થશે.
જોકે, પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોને આ સામાન્ય દરમાંથી અલગ રાખીને ફ્લેટ ₹5 MDR મોડેલ હેઠળ મૂકવામાં આવ્યા છે. એટલે વ્યવહારની રકમ મોટી હોય તો પણ સંબંધિત વેપારી અથવા સર્વિસ પ્રોવાઇડર પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹5 MDR લેવામાં આવશે.
આ 5 ક્ષેત્રોમાં લાગુ થશે ફ્લેટ રૂ.5 MDR
1. પેટ્રોલ પંપ: ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4%ના બદલે ફ્લેટ ₹5 MDR લાગુ થશે.
2. રેલવે ટિકિટ: ₹2,000થી વધુની ટ્રેન ટિકિટ બુકિંગ માટેના UPI પેમેન્ટ પર પણ ₹5 MDR રહેશે. આ ચાર્જ મુસાફરો પાસેથી નહીં, પરંતુ ટિકિટિંગ સેવા પ્રદાતા તરફથી લેવામાં આવશે.
3. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ: UPIથી વીમા પ્રીમિયમ ભરવામાં રકમ ગમે તેટલી હોય, પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5નો ફ્લેટ MDR લાગુ થશે.
4. ટેલિકોમ સેવાઓ: ₹2,000થી વધુના મોબાઇલ, બ્રોડબેન્ડ અથવા અન્ય ટેલિકોમ પેમેન્ટ પર પણ ₹5 MDR રહેશે.
5. વીજળી, પાણી અને PNG બિલ: ₹2,000થી વધુના વીજળી, પાણી અને PNG બિલના UPI પેમેન્ટને પણ ફ્લેટ ₹5 MDR હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
નવા નિયમો આવતા મહિનાની 15મી તારીખથી અમલમાં આવવાના હોવાનું જણાવાયું છે. આ વ્યવસ્થાથી મોટી રકમના પસંદગીના UPI વ્યવહારો પર ટકાવારી આધારિત MDRને બદલે નિશ્ચિત ચાર્જ લાગુ થશે.