ભાવનગરમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ: આધેડ પાસેથી રૂ.3.05 લાખ પડાવ્યા, 2 આરોપી ઝડપાયા

ભાવનગરમાં આધેડને ફેસબુક પર પ્રેમજાળમાં ફસાવી ખોટી ઓળખ આપી ધમકાવી રૂ.3.05 લાખ પડાવનાર હનીટ્રેપ ગેંગનો LCBએ પર્દાફાશ કર્યો છે. ફુલસર વિસ્તારમાંથી પોલીસે વેરના કાર સાથે સુરતના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ફરાર છે.

ફરિયાદી આધેડ સાથે ગેંગની મહિલા સભ્યએ ફેસબુક પર મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સાળંગપુર દર્શનના બહાને તેમને લઈ જવાયા હતા. પરત ફરતી વખતે કાળા રંગની વેરના કારમાં આવેલા શખ્સોએ ફરિયાદીની કાર રોકી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી.

આરોપીઓએ ફરિયાદી પર ડ્રગ્સ-ગાંજાના વેપાર અને યુવતીને ભગાડી જવાના ખોટા આક્ષેપ કરી એન્કાઉન્ટરની ધમકી આપી હતી. રૂ.7થી 8 લાખની માંગણી કરાયા બાદ આધેડે રૂ.3.05 લાખ આપતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ LCBએ તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે ફુલસરના સ્વામિનારાયણ મંદિર પાછળથી ઘનશ્યામ ઉર્ફે શ્યામ લાઠીયા અને રાજેશ કાથરોટીયાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, તોડબાજી, ધમકી, વસૂલી અને દારૂ સહિતના ગુના નોંધાયેલા છે. આ કેસમાં રમેશ ઉર્ફે કાનો સાગરકા, નિકુંજ સોલંકી અને વિલાસબેન પુરાણી ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment