રિફંડના નામે રેલવે અધિકારીને રૂ.73 હજારનો ચૂનો

મીશો પર ડ્રેસનો ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ અટવાયું; ગૂગલ પરથી મળેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરતાં સાયબર ઠગે APK ફાઇલ મોકલી ખાતું ખાલી કર્યું

અમદાવાદ: ખોખરા વિસ્તારમાં રહેતા પશ્ચિમ રેલવેના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સાયબર ઠગની જાળમાં ફસાઈ ગયા હતા. મીશો એપ્લિકેશન પર રૂ.448નો લેડીઝ ડ્રેસ ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ કપાઈ ગયું હોવા છતાં ઓર્ડર કન્ફર્મ ન થતાં તેમણે ફરી પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ પ્રથમ પેમેન્ટનું રિફંડ મેળવવા ગૂગલ પરથી મળેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવો તેમને ભારે પડ્યો હતો.

મણિનગર પૂર્વમાં મેથોડિસ્ટ ચર્ચ પાસે આવેલી નવનિર્માણ સોસાયટીમાં રહેતા પ્રદીપકુમારે રૂ.448નું રિફંડ મેળવવા માટે ગૂગલ પરથી મીશો કસ્ટમર કેરનો નંબર શોધી કોલ કર્યો હતો. સામેથી વાત કરનાર શખ્સે પોતે કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી વ્હોટ્સએપ પર રિફંડની પ્રક્રિયા કરાવવાની વાત કરી હતી.

થોડીવાર બાદ આરોપીએ વીડિયો કોલ કરીને પ્રદીપકુમારને ફોનની સ્ક્રીન શેર કરવા કહ્યું હતું. ત્યારબાદ તેમના બેન્ક ખાતાનું બેલેન્સ ચેક કરાવ્યું હતું. રિફંડ ન મળ્યા બાદ ગઠિયાએ વ્હોટ્સએપ પર APK ફાઇલ મોકલી હતી અને તેને ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.

પ્રદીપકુમારે APK એપ્લિકેશન ડાઉનલોડ કરી જરૂરી પરમિશન આપતાં જ તેમનો ફોન હેંગ થઈ ગયો હતો. ફોન રિસ્ટાર્ટ કર્યા બાદ ગૂગલ પે ચેક કરતાં તેમના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.73 હજાર ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું.

છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં તેમણે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે ખોખરા પોલીસે વ્હોટ્સએપ નંબર ધારક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment