ધોધમાર વરસાદથી રાજકોટની હવાઈ સેવા ખોરવાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુંબઈથી આવેલી એર ઇન્ડિયા-ઇન્ડિગોની બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ; 3 કલાક બાદ રાજકોટ લેન્ડિંગ, મુસાફરોને 5થી 6 કલાકની હાલાકી

રાજકોટમાં આજે વહેલી પરોઢથી વરસાદી માહોલ વચ્ચે મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટનું લેન્ડિંગ થઈ શક્યું નહોતું. રન-વે પર વિઝિબિલિટી ઘટી જતાં બંને ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. વાતાવરણ સુધર્યા બાદ બંને ફ્લાઇટ રાજકોટ પરત આવી અને મુસાફરોને લઈને મુંબઈ રવાના થઈ હતી.

આજે સવારે 7:30 કલાકે એર ઇન્ડિયાની મુંબઈ-રાજકોટ-મુંબઈ ફ્લાઇટ અને 8:40 કલાકે આવેલી ઇન્ડિગોની મુંબઈ-રાજકોટ-મુંબઈ ફ્લાઇટ રાજકોટના હવાઈ ક્ષેત્રમાં પહોંચી હતી. જોકે, વરસાદી વાદળો અને ઓછી દૃશ્યતાને કારણે રન-વે સ્પષ્ટ દેખાતો ન હોવાથી પાયલોટે એટીસી કંટ્રોલનો સંપર્ક કર્યો હતો.

રન-વેની વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાનું જણાવાતા બંને ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. વડોદરા એરપોર્ટ પર આશરે ત્રણથી સાડા ત્રણ કલાક રોકાણ બાદ સવારે 10:30 વાગ્યા પછી હવામાન સુધરતાં બંને ફ્લાઇટ રાજકોટ પરત આવી હતી. રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ મુસાફરોને લઈને બંને ફ્લાઇટ મુંબઈ જવા ટેકઓફ થઈ હતી.

ફ્લાઇટ ડાયવર્ટ થવાના કારણે મુસાફરોને એરપોર્ટ પર આશરે 5થી 6 કલાક રાહ જોવી પડી હતી. વહેલી સવારના વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજકોટની હવાઈ સેવા પર અસર પડી હતી.

રડાર મુદ્દે ફરી સવાલ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાન દરમિયાન ફ્લાઇટ ડાયવર્ટ થવાના મુદ્દે ફરી સવાલો ઉઠ્યા છે. એરપોર્ટ પર એટીસી ટાવરની સામે રડાર માટેનું બિલ્ડિંગ તૈયાર હોવા છતાં રડારની સ્થાપના હજુ બાકી હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ રન-વે પરના સેન્સર્સના આધારે લેન્ડિંગ અને ટેકઓફ કામગીરી કરવામાં આવે છે. વરસાદ કે ઓછી વિઝિબિલિટી દરમિયાન રડારની સુવિધાના અભાવે પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેની કામગીરી વધુ પડકારરૂપ બનતી હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai