નાના ચિલોડા નજીક રૂ.55.50 લાખના મેફેડ્રોન સાથે બેંગલુરુનો યુવક ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નરોડા પોલીસે 1.85 કિલો MD ડ્રગ્સ જપ્ત કર્યું; એક ફેરાના રૂ.1 લાખની લાલચમાં ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો

અમદાવાદના નાના ચિલોડા સર્કલ નજીક નરોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી બેંગલુરુના 24 વર્ષીય યુવકને ઝડપી લીધો છે. યુવક પાસેથી રૂ.55.50 લાખની કિંમતનું 1.85 કિલોગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ સહિત કુલ રૂ.55.56 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

નાના ચિલોડા સર્કલથી નાના ચિલોડા ચાર રસ્તા તરફ એક શખસ નશાકારક પદાર્થનો જથ્થો લઈને જવાનો હોવાની બાતમી મળ્યા બાદ નરોડા પોલીસે બે પંચોને સાથે રાખી ચામુંડા ટાયરની દુકાન સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીમાં જણાવેલા વર્ણન મુજબના ગ્રે જીન્સ અને સફેદ શર્ટ પહેરેલા યુવકને પોલીસે ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન થેલામાંથી બે પેકેટ મળી આવ્યા હતા. સ્થળ પર પ્રાથમિક કેમિકલ ટેસ્ટ કિટથી તપાસ કરતાં તેમાં મેફેડ્રોન હોવાની પ્રાથમિક પુષ્ટિ થઈ હતી. ડિજિટલ કાંટાથી વજન કરતાં બંને પેકેટમાંથી કુલ 1850 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીનું ઇ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

એક ફેરાના રૂ.1 લાખની લાલચ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ નિખીલેશ અને પોતે બેંગલુરુનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, બેંગલુરુમાં રહેતા ‘ફ્રેન્ક’ નામના નાઇજિરિયન શખસે તેને ડ્રગ્સની હેરાફેરીના બદલામાં એક ફેરાના રૂ.1 લાખ આપવાની લાલચ આપી હતી.

આરોપી ફ્રેન્કના કહેવાથી ચંદીગઢ ગયો હતો, જ્યાં કાળી XUV 700 કારમાં આવેલા બે અજાણ્યા નાઇજિરિયન શખસો પાસેથી તેણે મેફેડ્રોનનો જથ્થો મેળવ્યો હોવાનો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ આ જથ્થો બેંગલુરુ લઈ જઈ ફ્રેન્કને સોંપવાનો હતો, પરંતુ તે પહેલાં જ અમદાવાદના નાના ચિલોડા નજીક નરોડા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ આગળ ધપાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai