ગાંધીનગર : ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદના 88 ટકા જેટલો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છમાં 57.16 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 224 તાલુકામાં સરેરાશ 17.20 મિમી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સૌથી વધુ 3-3 ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં 2.87 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.52 ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે.
નર્મદા ડેમ 96 ટકા ભરાયો
સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા સુધી ભરાઈ ગયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 30 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, જ્યારે 38 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 40 ડેમ 25થી 50 ટકા અને 73 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
જળસંગ્રહની સ્થિતિને ધ્યાનમાં રાખીને 45 ડેમને હાઈ એલર્ટ, 13 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
85 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
1 જૂનથી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રાજ્યમાં કુલ 85,456 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 9,822 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નવસારીમાંથી સૌથી વધુ 29,198, વલસાડમાંથી 22,214 અને સુરતમાંથી 17,992 લોકોને સ્થળાંતર કરાયા છે.
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં NDRFની 10 ટીમો અને SDRFની 28 પ્લાટૂન તૈનાત છે. ઉપરાંત NDRFની 4 અને SDRFની 5 ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે.










